દક્ષિણ ગુજરાતમાં આવેલ ધાર્મિક અને પ્રવાસન સ્થળ એટલે "ગૌમુખ"
એક બાજુ મંદિરમાં ધાર્મિક વાતાવરણ ગુંજતું હોય...બીજી તરફ ડુંગર પર લહેરાતી હરિયાણી વચ્ચે પાણીનો સુંદર મજાનો ધોધ પડતો હોય...આવો અદભુત નજારો નિહાળવો જિંદગીનો એક યાદગાર લ્હાવો છે. વાત થઈ રહી છે દક્ષિણ ગુજરાતમાં આવેલા ધાર્મિક અને પ્રવાસન સ્થળ ગૌમુખની. જંગલોની મધ્યમાં, એક ગાયના મુખમાંથી પાણી નીકળે છે, જેથી આ જગ્યા ‘ગૌમુખ’ તરીકે ઓળખાય છે. આ જગ્યાનું મુખ્ય આકર્ષણ એક ધોધ છે. દક્ષિણ ગુજરાતમાં આવેલો તાપી જીલ્લો પ્રકૃતિના ખોળે વસવાટ કરતો જીલ્લો છે. અહી શિવ મંદિર સહીત અનેક દેવાલયો તેમજ ફરવા લાયક સ્થળો આવેલા છે. ઋષિમુનિઓ દ્વારા આ પ્રાચીન ગૌમુખ મહાદેવની સ્થાપના કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત સહીત મહારાષ્ટ્ર રાજ્યમાંથી પણ ભક્તો મહાદેવના દર્શન કરવા ઉમટી પડે છે સાચા મન અને સાચી શ્રદ્ધાથી માંગવામાં આવેલી માનતા ભોળાનાથ અચૂક પૂર્ણ કરે છે.અહીં શ્રાવણ માસ તેમજ શિવરાત્રિ જેવા પર્વ પર ભક્તજનો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડે છે.
- ગૌમુખમાંથી વહેતું પાણી કયાંથી આવે છે અને કયાં જાય છે એ કોઇને ખબર નથી
ગૌમુખ એ ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં તાપી જિલ્લામાં આવેલ સોનગઢ તાલુકાનું એક રમણીય આસ્થાનું સ્થળ છે. આ સ્થળ સોનગઢથી ઓટા (ડાંગના જગલ તરફ) જતાં રસ્તામાં જંગલની વચ્ચે આવે છે, જ્યા ઊંચા ડુંગર પર પથ્થરમાંથી બનાવેલા ગાયનાં મુખમાંથી બારેમાસ સતત પાણી નીકળ્યા કરે છે. સહ્યાદ્રિ ગીરીમાળામાં પાંચ પહાડોની વચ્ચે ગીચ જંગલમાં આવેલું ગૌમુખ કે રહેશ્વર મહાદેવ મંદિર પ્રકૃતિ પ્રેમીઓ માટે અદ્દભુત આકર્ષણ ધરાવે છે.આ પૌરાણિક મંદિર અંગે એવું કહેવાય છે કે, અહીં ગૌતમ ૠષિ દ્વારા તપ કરવામાં આવ્યું હતું. ગૌતમ ઋષિના તપોબળથી અહીં ગંગા પ્રગટી હતી જે ગૌમુખમાં થઇને બારેમાસ વહે છે. આ ગંગાનું પાણી ચોમાસા દરમિયાન પણ બાજુમાંથી પસાર થતા વોકળાના પાણીમાં વિલીન થતું. ગૌમુખમાં થઇને વહેતું પાણી થોડા અંતર સુધી નીચે જઇ જમીનમાં લુપ્ત થઇ જાય છે. શિવજીના મંદિર વહેતી આ ગંગામાં બારેમાસ પાણીનો પ્રવાહ અવિરતપણે વહ્યા કરે છે. ગૌમુખમાંથી વહેતું પાણી કયાંથી આવે છે અને કયાં જાય છે એ કોઇનેખબર નથી. તેથી જ આ સ્થળને ગૌમુખ એવું નામ આપવામાં આવ્યું છે. આ પૌરાણિક મંદિર વિષે એવું કહેવાય છે કે અહીં ગુરૂ દ્રોણનો આશ્રમ હતો. જેના પરથી બાજુના ગામનું નામ દોણ પડયું હોવાની પણ માન્યતા છે. અહીં પિતૃ તૃપ્તિની વિધિ કરવાથી ઝડપથી પિતૃદોષો દુર થાય છે. એવું કહેવાય છે કે પાતાળમાંથી નાગકન્યાઓ ગૌમુખના કુંડમાં સ્નાન કરવા આવતી હતી અને ભોળાશંકરની પુજા કરી ફરી પાતાળ લોકમાં જતી હતી.અહીં બારેમાસ ભાવિક ભકતો અને પર્યટકોની ભારે ભીડ રહે છે. ચોમાસા દરમિયાન સોળે કળાએ ખીલતી પ્રકૃતિ પર્યટકોને પ્રકૃતિના ગોદમાં રમવા માટે આહ્વાન કરતી હોય એમ અહીં પ્રવાસીઓના ધાડેધાડા ઉમટી પડે છે. ચોમાસામાં પડતો ધોધ જઇને પ્રવાસીઓ ધોધ નીચે સ્નાન કરવાનો લ્હાવો લેવાનું પણ ચૂકતા નથી.
- ગુરુ દ્રોણાચાર્યએ આ શિવલિંગની સ્થાપના કરી હોવાની લોકવાયકા
અહીં પવિત્ર અને પૌરાણિક શિવાલય ગૌમુખ મહદેવજીનું મંદિર ભક્તજનોમાં આસ્થાનુ પ્રતીક બનવા પામ્યુ છે. ગુરુ દ્રોણાચાર્યએ આ શિવલિંગની સ્થાપના કરી હોવાની લોકવાયકા છે સાથે ગૌમુખ મહાદેવ મંદિરનો ઉલ્લેખ તાપી પુરાણ ગ્રંથમાં પણ કરવામાં આવ્યો છે. ગૌમુખ મહાદેવના દર્શને દૂરદૂરથી ભાવિકો આવે છે અને મહાદેવના દર્શન કરી ધન્ય થાય છે. ગાઢ જંગલની વચ્ચે બિરાજતા ગૌમુખ મહાદેવનુ મંદિર તાપી જિલ્લાના અતિ પૌરાણિક મંદિરોમાનું એક છે. મહાદેવજી પર અતૂટ શ્રદ્ધા ધરાવતા ભાવિકો મંદિરે જે પણ માનતા માને છે તે ભક્તજનોની માનતા ગૌમુખ મહાદેવ અચૂક પૂર્ણ કરે છે. ગાઢ જંગલોની વચ્ચે બિરાજમાન મહાદેવજીના દર્શન કરી દર્શનાર્થીઓ અલૌકિક શાંતિનો અનુભવ કરે છે. લોકવાયકા મુજબ આ સ્થળ પર વડના ઝાડની નીચે મુખ્ય શિવલિંગ આવેલુ છે અને તેને મુગલ શાસન વખતે ખંડિત કરી દેવામાં આવ્યું હતું જે શિવલિંગ આજે પણ મંદિરના મુખ્ય દ્વાર પાસે છે શિવલિંગ ખંડિત થયા બાદ સંતો દ્વારા નવા શિવલિંગની સ્થાપના મંદિરમાં કરવામાં આવી હતી. ગૌમુખ મહાદેવ મંદિરનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથ તાપી પુરાણમાં કરવામાં આવ્યો છે કહેવાય છે કે આ મંદિરની સ્થાપના ઋષિમુનિઓ દ્વારા કરવામાં આવી છે.