સુરતની સમૃદ્ધતા સાથે વિદેશ વેપારનું મહત્વ દર્શાવતા 17મી સદીના આ મકબરાઓ

12મી સદીથી સુરતના વિદેશ સાથે વ્યાપારી સંબંધો હતા, પરંતુ 17મી સદીમાં મોગલ સામ્રાજ્ય દરમિયાન ડચ, વલંદા, અંગ્રેજ, આર્મેનિયન અને પોર્ટુગીઝ વેપારીઓ સહિત લોકો સ્થાયી થયા હતા. ઇ.સ.1613માં એમણે અહીં સૌપ્રથમ વિદેશીઓએ વેપારી કોઠી સુરતમાં સ્થાપી હતી. મોટી સંખ્યામાં યુરોપીયન વ્યાપારીઓ અને અધિકારીઓ પોતાના પરિવાર સાથે શહેરમાં વસવાટ કરતા હતા. તેમણે સુરતને પોતાનું શહેર બનાવ્યું હતું. જેમાં તેમનું મૃત્યુ થવાથી કતારગામ ખાતે ડચ, અંગ્રેજ, વલંદા અને આર્મેનિયનને દફનાવવા કબ્રસ્તાન બનાવ્યું હતું. આ કબ્રસ્તાન માટે મોગલ ગવર્નરે આલમપનાહ કોટ બહાર જગ્યા આપવામાં આપી હતી. આ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવેલા કબરો પર યુરોપીયન અને મોગલ જેવી મિશ્ર શૈલીમાં મકબરા બાંધવામાં આવ્યા છે.  અધિકારીઓની કબરો ઉપર મુસ્લિમ સ્થાપત્ય જેવા પથ્થરના ઊંચા મકબરા બનાવવામાં આવ્યા છે.

આ કબરોમાં ભારતીય શૈલીનું કોતરકામ નજરે પડે છે

સુરત પ્રાચીન સમયથી આંતરરાષ્ટ્રીય સ્તરે વેપારનું હબ રહ્યું છે. અને જેની નિશાની આપતા અનેક પુરાવા આજે પણ સુરત શહેરમાં સચવાયેલ છે તો ક્યાંક બિન સચવાયેલ સ્થાનમાં રહેલા છે. એવા જ કેટલાક સ્મારકો વિશેનું પ્રાથમિક પરિચય આ પ્રકરણમાં મેળવીશું સુરતમાં અંગ્રેજો, વલંદા અને ફિરંગીઓના વસવાટને લઈને તેમના ચર્ચ બન્યા હતા. અને તેમની વહીવટી કોઠીઓ તેમજ કબ્રસ્તાન પણ હતા.  આ પૈકીના ઘણા સ્મારકો નાશ પામ્યા છે. સુરતમાં કતારગામ દરવાજાની અંદરની ભાગે જમણી તરફ  વલંદાઓના કબ્રસ્તાન નજીક આરમેનિયાનોનું કબ્રસ્તાન આવેલું છે. અંગ્રેજોની ઉપરોક્ત કબરોની સરખામણીએ વલંદાઓની અને આરમેનિયાનોની કબરો વધુ સુંદર છે. આ આરમેનિયમ કબરો પરના લેખના પથ્થરો હાલમાં સ્થાનિક સંગ્રહસ્થાનમાં રાખવામાં આવ્યા છે. જ્યારે સ્થાન ઉપર પણ ઘણા લેખો ખંડેર હાલતમાં આવનાર લોકોના પગ નીચે દબાઈ રહ્યા છે.આ કબરોમાં ભારતીય શૈલીનું કોતરકામ નજરે પડે છે.

 આ કબ્રસ્તાનમાં નાના-મોટા મિનારાવાળી લગભગ ૧૪ જેટલી કબરો 

સુરત ખાતે વલંદા ઓ એ પોતાનું ચર્ચી ઇ.સ.૧૭૭૭માં બંધાવ્યું હોવાનું મનાય છે. હાલે ના ખંડેર પૈકીનો એક ભાગ જળવાઇ રહેલો જોવામાં આવે છે. બ્રિટિશ કાળ દરમિયાન ગુજરાતમાં બંધાયેલા પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયના દેવળોમાં સૌથી જૂનું દેવળ ઇ.સ. ૧૮૨૫ની સાલનું છે. સુરતનો ક્રાઇસ્ટ ચર્ચ નામનું દેવળ ઇ.સ.૧૮૨૫ ની સાલ માં બંધાયેલ છે જેની પ્રતિષ્ઠા બિશપ હેબરે કરી હતી. આ દેવળનું બાંધકામ જ્યોર્જિયન શૈલીને અનુસરે છે. સુરતમાં મુગલસરાય વિસ્તારમાં આવેલું દેવળ લંડન મિશન સોસાયટીએ ઇ.સ. ૧૮૪૦માં બંધાવ્યું હતું. સુરતમાં વલંદાઓ ની કબરો પૈકી બેરનવેલ રીદની કબર અંગ્રેજોની કબરો કરતાં ચડિયાતી જણાય છે. આ ઈમારતના ઉપરના ભાગમાં વીથિકા અને નીચેના ભાગમાં રવેશ કાઢેલ છે. એના થાંભલાઓ પર ફૂલવેલ મનોહર રૂપાંકન કરેલા છે. મકાનની નકશીકામ વડે સરસ રીતે સજાવેલું જોઈ શકાય છે. સુરતની ઉત્તર સીમાએ કતારગામના દરવાજા બહાર અંગ્રેજોનું કબ્રસ્તાન આવેલું છે. એમાં મુખ્ય કબર ઇ.સ.૧૬૬૯ માં અવસાન પામેલા તે વખતના અંગ્રેજ કોટિના પ્રમુખ ઓકસન દનની છે. કબ્રસ્તાનની ઈમારતોના ઓટલાની ઉંડણી થાંભલીઓ અને કુંડીઓમાં ભારતીય શૈલીનું કોતરકામ જોવામાં આવે છે, જ્યારે ગોખલાઓ, કમાનો અને અન્ય જગ્યા ઉપરના કોતર કામમાં મુખ્યત્વે મુસ્લિમ અને પોર્ટુગીઝ શૈલી અપનાવાઇ છે. આ કબ્રસ્તાનમાં નાના-મોટા મિનારાવાળી લગભગ ૧૪ જેટલી કબરો છે એ ઉપરાંત ૮૦ જેટલી સાદી કબરો પણ છે.

 

૧૬૧૬માં સુરત આવેલા વલંદાઓએ પણ અંગ્રેજો જેવી ભવ્ય કોઠી સ્થાપી હતી.આ કોઠી 'વલંદા બંદર' નામે ઓળખાતી. એ તાપી નદીના કિનારે શહેરપનાહ અને આલમપનાહ વચ્ચે આવેલી હતી. આજે એ જગ્યા નાનપુરા વિસ્તારમાં આવેલી છે. મુગલીસરા ઉકળજીની ની ધર્મશાળા ની સામે આવેલી ઇમારત પોર્ટુગીઝીની કોઠી તરીકે ઓળખાય છે. મકાન ઉપરની તકતીમાં ૧૭મી અને ૧૮મી સદીમાં પોર્ટુગીઝોએ આ મકાનનો ઉપયોગ કોઠી તરીકે કર્યાનો ઉલ્લેખ છે. જોકે હાલમાં આ મકાન નામશેષ અવસ્થામાં છે. ઇસ્ટ ઇન્ડિયા કંપનીને સુરતમાં સુબેદાર તરફથી આ મકાન બાંધવા ૧૬૧૨માં પરવાનગી આપવામાં આવી હતી. કાળક્રમે તેમાં સુધારા-વધારા થતા રહ્યા. સુરત ખાતેની આ કોઠી અંગ્રેજોની ભારતમાંની કોઠી માં સૌથી મોટી ગણાતી. ભરૂચ, વડોદરા, ખંભાત, અમદાવાદ, આગ્રા વગેરે સ્થળોની અંગ્રેજ કોઠીઓ સુરતની કોઠીને તાબે રહીને કામ કરતી હતી. ૧૮મી સદીમાં અંગ્રેજોની હકુમતનું મુખ્ય સ્થાન મુંબઇ લઇ જવાયું, એટલે આ મકાનની જાહો જલાલી ઓછી થતી ગઈ. આ કોઠીનું મકાન તોડી પાડવામાં આવ્યું હોવાથી હવે એના અવશેષ જોવામાં આવતા નથી.