સરકાર જનતાની સુવિધા સુરક્ષા હેતુ અનેક પ્રયાસો કરતી રહે છે. ઘણી વખત પ્રોજેક્ટને સફળતા મળે છે તો ઘણી વખત નિષ્ફ્ળતા. જો કે, નિષ્ફ્ળતા માટે અનેક પરિબળો જવાબદાર બને છે. ત્યારે ફરી એક વખત વડોદરા શહેરમાં ખાનગી કંપનીના સહયોગથી પ્રજાની રક્ષા કાજે રાજ્યનું પ્રથમ 'જનરક્ષક' મશીનો કારેલીબાગ રાત્રી બજાર, ફાઇન આર્ટસ ફેકલ્ટી અને ભાયલી ફૂડ કેસલ બહાર તેમ ત્રણ સ્થળે મુકવામાં આવ્યા છે. જેનું આજરોજ ટેસ્ટિંગ હાથ ધરાતા સફળતા મળી છે. હવે જનતા માટે ઇમર્જન્સી સમયે આ ખુબ ઉપયોગી નીવડી શકે તેવી સુવિધા છે. જો આ પ્રોજેક્ટમાં સફળતા મળે તો વધુ મશીનો માટે વિચારણા હાથ ધરાશે.