ગતરોજ મહાશિવરાત્રી પર્વે વડોદરા શહેરના રાજમાર્ગો ઉપર શિવજી કી સવારી ધામધૂમથી નીકળી હતી. ગાજરાવાડી સ્થિત રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી બપોરે ૪ વાગ્યે સવારીનું પ્રસ્થાન થયુ હતું. શિવ પરિવારની દિવ્ય પ્રતિમા સાથે સવારી વાડી, ચોખંડી, માંડવી, ન્યાયમંદિર, માર્કેટ ચાર રસ્તા, દાંડિયા બજાર થઇને સાંજે સૂરસાગર પહોંચી હતી. સવારીના રૃટ પર વિવિધ સ્થળોએ પુષ્પવર્ષાથી સ્વાગત થયુ હતુ તો આ વર્ષે ખુબ મોટી સંખ્યામાં નગરજનો શિવજી પરિવારના દર્શનાર્થે પહોંચતા કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો છતાં થયા હતા. જેના કારણે વડોદરા નગરી સ્વયંભૂ શિવમય બનતા ભક્તિમય માહોલ સર્જાયો હતો.