ગાંધીનગરના અડાલજ નર્મદા કેનાલ નજીક હાઇવે રોડ ઉપર ગઈ મોડી રાતે BMW ના ચાલકે પોતાની કાર રોકેટ ગતિએ હંકારીને ડિવાઇડરની એસએસ પતરાની રેલીંગમાં કાર ઘુસાડી દીધી હતી. આ અકસ્માતમાં કારની ડાબી સાઈડની આગળની બાજુથી છેક પાછળ સુધી પતરાની રેલીંગ આરપાર નીકળી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં કારની તમામ એરબેગ ખુલી ગઈ હતી. જોકે અકસ્માત સર્જનાર નબીરો ભૂગર્ભમાં ઉતરી જતાં અડાલજ પોલીસે કાર નંબરના આધારે તપાસ શરૂ કરી છે. હાલમાં આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહીં હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.