અરવલ્લી જિલ્લાનાં ભિલોડા તાલુકામાં ગુજરાતની સરહદને અડીને આવેલુ શામળાજી અરવલ્લીની ગિરિમાળામાં લીલી વનરાજી વચ્ચે કુદરતી સુંદરતા ધરાવતુ અનોખું તીર્થધામ છે. શામળાજીમાં દર વર્ષે કાર્તિકી પૂનમ / દેવ દિવાળીએ ભવ્ય લોકમેળો ભરાય છે. આ ભવ્ય મેળામાં સમગ્ર આદિવાસી સમાજનું આગવું પ્રતિબિંબ પડે છે.શામળાજી મુખ્યત્વે વૈષ્ણવ વણિકોનું ધાર્મિક સ્થળ છે અને તે પુરાણોમાં ગદાધાર ક્ષેત્ર તરીકે પ્રખ્યાત છે. જે શામળાજીનું મુખ્ય મંદિર છે, તે ભગવાન કૃષ્ણના નામ (શામળશા શેઠ) ઉપરથી પડયું છે. આ મંદિર ૧૦ કે ૧૧ સૈકામાં બંધાયેલુ હોવાનુ માનવામાં આવે છે. મંદિરના બાંધકામમાં પ્રાચીન ચૌલુક્ય શૈલી જોવા મળે છે. મૂળ મંદિર પાંચસોથી આઠસો વર્ષ ટકેલું અને ત્યારબાદ પંદરમી-સોળમી સદીની ઓળખ આજના મંદિરને મળે છે.