સહસ્ત્રલિંગ તળાવ પાટણ, ગુજરાતમાં આવેલું એક મધ્યયુગીન કૃત્રિમ તળાવ છે. તેનું બાંધકામ સોલંકી વંશના શાસન દરમિયાન કરવામાં આવ્યું હતું. પરંતુ હાલમાં તે ખાલી અને ખંડિત અવસ્થામાં છે. તે હવે ભારતના પુરાતત્વ ખાતા દ્વારા રાષ્ટ્રીય મહત્વના સ્મારક તરીકે જાહેર કરાયેલ છે. સિદ્ધરાજ જયસિંહ (ઇ.સ. ૧૦૯૨-૧૧૪૨)ના શાસન દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં બાંધકામ કરેલા કૃત્રિમ તળાવોમાંનું સહસ્ત્રલિંગ તળાવ એક છે. આ તળાવનું સ્થાપત્ય હિંદુ ધર્મ પ્રમાણે જળ વ્યવસ્થા અને પાણીની પવિત્રતાનું મહાન સંકલન હતું. તળાવમાં સરસ્વતી નદીમાંથી પાણી આવતું હતું અને તે ૫ કિમી વિસ્તારમાં ફેલાયેલું હતું. તળાવના કાંઠા પર એક હજાર શિવલિંગો આવેલા હતા. તેમાંના કેટલાંક હજુ પણ ખંડિત અવસ્થામાં જોવા મળે છે.