સોનગઢના પાથરડા ગામ પાસેથી નદી વહે છે. નદીમાં ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનમાં વપરાશમાં લીધેલું પાણી ફરી વખત છોડાતુ હોય બારે માસ પાણી વહેતું જ હોય છે. આ ગામમાં ખાસ કરીને આદિમ જૂથના ગણાતાં કોટવાળીયા અને કાથુંડ જાતિના લોકો મોટા પ્રમાણમાં વસવાટ કરે છે અને એમનું સ્મશાન ગૃહ નદીના સામે પાર આવેલું છે. સ્થાનિકો ઘણાં સમયથી સ્મશાન તરફ જતાં રસ્તા પર આવતી નદી પર બ્રિજ બનાવવાની માગ કરી રહ્યાં છે . ગામમાં જ્યારે પણ કોઈના મૃત્યુનો બનાવ નોંધાઇ છે ત્યારે તેમની અંતિમ યાત્રા સ્મશાન સુધી પહોંચવા માટે નદીના પાણીમાં થઇને જ નીકળતી હોય છે.