સુરત નજીક ચોર્યાસી તાલુકાનું ભીમરાડ ગામ ગાંધીજીની દાંડીયાત્રાનો રસપ્રદ ઈતિહાસ ધરાવે છે. વર્ષ 1930માં અંગ્રેજો દ્વારા લગાવાયેલા મીઠા પરના કરની નાબૂદી માટે ગાંધીજીએ અમદાવાદથી ઐતિહાસિક દાંડી યાત્રાનો પ્રારંભ કર્યો હતો. ભીમરાડની ભૂમિ સાથે જોડાયેલા ગાંધીજીના આદર્શ મૂલ્યોને જાળવવા અને આવનારી પેઢીને તેનાથી અવગત કરવાના હેતુસર રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ભીમરાડને પર્યટક સ્થળ તરીકે વિકસાવવાની કામગીરી હાથ ધરાઈ છે. જેમાં રૂ.13 કરોડના ખર્ચે ‘ગાંધી સ્મારક આશ્રમ’નું ભવ્ય નિર્માણ કરવામાં આવી રહ્યું છે.