આગામી દિવસોમાં રામનવમી તેમજ રમજાન ઈદ સહિતના વિવિધ પર્વ આવનાર હોઇ આણંદ જિલ્લામાં આ તહેવારોની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેમજ તમામ તહેવારોની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે જિલ્લા પોલીસ તંત્રએ કમર કસી છે. ત્યારે આ અનુસંધાને વિધ્યાનગર પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ અધિક્ષક જે.એન પંચાલ ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં વિદ્યાનગર પંથકના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. પોલીસે બંને સમાજના આગેવાનોને જરૂરી સૂચનાઓ આપી તમામ તહેવારો હર્ષોલ્લાસ અને શાંતિપૂર્વક રીતે ઉજવવામાં આવે તેવી અપીલ કરી હતી.