મહુધાની પે સેન્ટર શાળાની પાછળ આવેલી પ્રાથમિક કન્યા શાળા ઉપરાંત તેની આસપાસ પાંચ જેટલી આંગણવાડી હોવાના કારણે વિદ્યાર્થીઓ સાથે ભૂલકાઓ પણ મોટી સંખ્યામાં અભ્યાસાર્થે આવે છે. ઉપરાંત તેઓ મીડ ડે મીલ સાથે પૌષ્ટિક આહાર પણ મેળવી રહ્યા છે. ત્યારે આ બાળકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. ઉલ્લેખનીય છે કે મહુધા નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત કન્યા શાળા નજીક પાઇપો નાંખવામાં આવી હતી. પરંતુ તેમાં છેલ્લા કેટલાક દિવસથી ભંગાણ પડ્યું છે. જેના કારણે ગંદા પાણી સમગ્ર જાહેર રસ્તા પર ફરી વળ્યાં છે. આ અંગે આચાર્ય દ્વારા નગરપાલિકાને લેખિતમાં જાણ કરી હોવા છતાં પાલિકા તંત્ર સમસ્યા આગળ આંખ આડા કાન કરી રહ્યું છે.