ઉત્તર ગુજરાતમાં મીની કાશ્મીર તરીકે પ્રખ્યાત છે આ જંગલ

સમગ્ર ઉત્તર ગુજરાતમાં મીની કાશ્મીર તરીકે પ્રખ્યાત બનેલા વિજયનગર ફોરેસ્ટમાં (Polo Forest in Vijayanagar) પ્રવાસીઓનો સતત ઘસારો રહે છે. પોળો સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં અરવલ્લીની ગિરિમાળા વચ્ચે, હરણાવ નદીને કિનારે આવેલુ સ્થળ છે.

800 હેક્ટરમાં ફેલાયેલ પોળોના જંગલમાં પ્રવસીઓનો રહે છે ઘસારો  

ડેમ, નદી, દેરાસરો,  મંદિરો, ટ્રેકિંગના ડુંગરો પ્રવાસીઓને આકર્ષે છે

 આ સ્થળે ચૌદમી અને પંદરમી સદીના પ્રાચીન જૈન અને શિવ મંદીરો મળી આવેલા છે. આ મંદીરોની બાંધણીમાં સોલંકી વંશનું સ્થાપત્ય જોવા મળે છે. પોળ એ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલો મારવાડી ભાષાનો શબ્દ છે. જેનો અર્થ 'પ્રવેશદ્વાર' થાય છે. ભૌગોલિક દ્રષ્ટિએ પોળો એ મારવાડ (રાજસ્થાન) અને ઉત્તર ગુજરાતની વચ્ચેનું પ્રવેશદ્વાર છે.

આ જંગલ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલું છે. તે હિંમતનગરથી ૭૦ કિમી અને અમદાવાદથી ૧૫૦ કિમીના અંતરે છે આ જંગલની વચ્ચે થઇને હરણાવ નદી વહે છે જેના પર એક મોટો બંધ અને અનેક નાના આડબંધ બાંધવામાં આવ્યા છે.  સમગ્ર ઉત્તર ગુજરાત માટે ફોટો સેશન સહિત કુદરતના નયન રમ્ય દ્રશ્ય પોલો ફોરેસ્ટમાં સામાન્ય બની રહ્યા છે

. જોકે વિજયનગર સહિત આસપાસના વિસ્તારમાં દિન પ્રતિદિન વધતા જતા પ્રવાસીઓના પગલે સ્થાનિક કક્ષાએ રોજગારને પણ પ્રાધાન્ય મળી રહ્યું છે. રોજગારની નવી તક ઉભી થતા હવે સ્થાનિકોનું જીવન ધોરણ પણ મજબૂત બની રહ્યું છે. પોળો જંગલમાં વણજ ડેમ, હાથમતી નદી, જુના જૈન દેરાસરો, શિવ મંદિરો, ટ્રેકિંગ કરવા માટે ડુંગરો અને કુદરતના ખોળે વસેલું આપણું જંગલ અહીં આવનાર વ્યક્તિને અહીં જ રોકાઈ જવા માટે પ્રેરિત કરતું હોય તેવું છે.

 રાજ્ય સરકાર દ્વારા  પોળોમાં આવેલી પોલો કેમ્પ સાઈટ વિકસાવવામાં આવી છે, જે થકી ઘણા બધા લોકોને રોજગારી મળી શકે, અને અહીં આવતા પ્રવાસીઓ પણ આ કેમ્પ સાઈટમાં આવેલા રૂમ ભાડે લઈને તેમાં રાત્રી રોકાણ પણ કરી શકે છે.

પોળોનું જંગલ 800 હેક્ટરમાં ફેલાયેલું છે. જેમાં 400 મીટરનો એક ટ્રેક બનાવાયો છે. જ્યાં પ્રવાસીઓ પહાડ પર ચડી એડવેન્ચર કરી શકે છે. આ સિવાયનો વિસ્તાર પ્રવાસીઓને જવા માટે પ્રતિબંધિત છે. જંગલમાં ફરતા જંગલી પ્રાણીઓ જેવા કે રીંછ-દીપડા થી પ્રવાસીઓને સુરક્ષા મળી રહે તે માટે આ પ્રતિબંધ લગાવાયો છે. પોળોના જંગલમાં ઇકો ટુરિઝમ વિભાગ અને વન વિભાગ દ્વારા સફાઈ કર્મચારીઓ રાખવામાં આવ્યા છે. જે દર બે કલાકે જંગલમાંથી પસાર થતા રસ્તાઓની સાફ-સફાઈ કરી જંગલને સ્વચ્છ રાખવામાં યોગદાન આપી રહ્યા છે.