આણંદ જિલ્લા સેવાસદન પાસેથી ખંભાત તરફ પસાર થતાં કાંસમાં અસહ્ય જંગલી ઘાસચારનું સામ્રાજય છવાઇ ગયું છે. જેને પગલે મચ્છરોના ઉપદ્વવ સાથે સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સત્તાવી રહ્યો છે. મહત્વનું છે કે આણંદ શહેરમાં વરસાદી પાણી ભરાતા સિંચાઇ વિભાગે બોરસદ ચોકડી થઇને મોગરી , ખંભાત તરફ કાંસ તૈયાર કરવામાં આવ્યો છે. જેની દર વર્ષે પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત લાખો રૂપિયાના ખર્ચે સાફસફાઇ કામગીરી હાથ ધરવામાં આવે છે. પરંતુ છેલ્લા બે વર્ષથી કાંસની સાફ સફાઇની કામગીરી હાથ નહીં ધરતાં બોરસદ ચોકડી , ઉમા ભવન ,જીટોડિયા રોડ, સાંગોળપુરા, મોગરી ,વિદ્યાનગર સહિત આણંદ જિલ્લા પંચાયત અને આણંદ જિલ્લા સેવાસદનમાં હજારો રહીશો અને સરકારી બાબુઓ મચ્છરોના ઉપદ્વવથી તોબા પોકારી ઉઠયા છે.