મમતાની પાર્ટીમાંથી ઇલેક્શનના મેદાનમાં ઊતર્યો છે યુસુફ પઠાણ

બહરમપુર બેઠક કૉંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીનો ગઢ

પશ્ચિમ બંગાળમાં ગઠબંધનની તમામ શક્યતાઓને અવગણીને શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસે રાજ્યની તમામ 42 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. આ ક્રમમાં, મમતા બેનર્જીએ એક મોટું જોખમ લેતા પૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણને ટિકિટ આપી છે. માનવામાં આવે છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજન ચૌધરી સામે યુસુફ પઠાણને મેદાનમાં ઉતારવામાં આવશે. આવી સ્થિતિમાં જો બંને દિગ્ગજો આમને-સામને ચૂંટણી લડશે તો મુકાબલો ઘણો રસપ્રદ બની જશે. આ બેઠક લોકસભામાં કૉંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીનો ગઢ માનવામાં આવે છે. જોકે કૉંગ્રેસે હજુ આ બેઠક પરથી અધીર રંજન ચૌધરીની ઉમેદવારી વિશે કંઈ જાહેરાત કરી નથી

 પસંદગી પાછળ છૂપાયેલ છે આ રાજકારણ

 

જો યુસુફ પઠાણ બહેરામપુરથી લોકસભાની ચૂંટણી જીતીને લોકસભામાં પહોંચશે તો 35 વર્ષ પછી એવું થશે કે ગુજરાતનો કોઈ મુસ્લિમ રહેવાસી લોકસભામાં પહોંચશે. 1984માં કોંગ્રેસના નેતા અહેમદ પટેલ છેલ્લે ગુજરાતમાંથી મુસ્લિમ તરીકે ચૂંટણી જીત્યા હતા અને 1989 સુધી સાંસદ રહ્યા હતા. આ પછી ગુજરાતમાંથી એકપણ મુસ્લિમ સાંસદ ચૂંટાયા નથી. ઝોહરા ચાવડાનું નામ ગુજરાતના પ્રથમ મુસ્લિમ સાંસદ તરીકે નોંધાયેલું છે.

ગુજરાતમાં ભાજપ બાદ કોંગ્રેસ પણ મુસ્લિમોને ઓછી ટિકિટ આપી રહી છે

ભરૂચ લોકસભા બેઠક પર ગુજરાતમાં સૌથી વધુ મુસ્લિમ મતદારો છે. આ બેઠક પરથી અહેમદ પટેલની પુત્રીને ટિકિટ આપવાની સ્થાનિક કોંગ્રેસના નેતાઓની માંગ હતી, પરંતુ જ્યારે આ બેઠક INDIA એલાયન્સમાં આમ આદમી પાર્ટીના હાથમાં ગઈ ત્યારે અહેમદ પટેલની પુત્રી મુમતાઝ અને પુત્ર ફૈઝલ નારાજ થઈ ગયા હતા. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા જ્યારે ભરૂચ પહોંચી ત્યારે મુમતાઝ કે અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે હાજરી આપી ન હતી

પૂર્વ ઓલરાઉન્ડર ધરાવે છે આટલી નેટવર્થ

41 વર્ષનો ક્રિકેટર યુસુફ પઠાણ વર્ષે દહાડે 20 કરોડ રુપિયાની આવક ધરાવે છે. જ્યારે તેની નેટવર્થની વાત કરવામાં આવે તો, 248 કરોડ રુપિયા ધરાવે છે. આમ પૂર્વ ઓલરાઉન્ડર કરોડોની સંપત્તિ ધરાવે છે. તેની પાસે ફોર્ડ એંડેવર અને BMW X5 કાર છે.ચૂંટણી લડવા માટે ઉમેદવારી પત્ર ભરવા સાથે જ તેની મિલ્કતો અને તેની અન્ય સંપત્તિઓ સહિતની વિગતો સત્તાવાર રીતે સામે આવશે. યુસુફ પઠાણ કેટલા કરોડ-અબજનો માલિક છે એ પણ ચૂંટણી અધિકારી સમક્ષ જાહેર કરશે.

બાળપણમાં પિતા સાથે મસ્જિદની સાફ-સફાઈ કરતો

યુસુફ પઠાણ અને ઇરફાન પઠાણ પોતાના પિતા સાથે મળીને મસ્જિદની સાફ સફાઇ કરતો હતો, પરંતુ ક્રિકેટ માટે યૂસુફ પઠાણનું ઝુનુન ઓછુ થયુ નહતું. યૂસુફ પઠાણ ક્યારેક પરિવાર સાથે વડોદરાની એક મસ્જિદ પાછળ નાના ઘરમાં રહેતો હતો. ફ્રી સમયમાં તે પોતાના ભાઇ ઇરફાન સાથે ક્રિકેટની પ્રેક્ટિસ કરતો હતો. આ બન્ને ભાઇઓ ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી પામ્યા પહેલાં તેમના પિતા એક મસ્જિદમાં મુજાવર હતા. જ્યારે ભારતીય ક્રિકેટ ટીમમાં ઇરફાન ખાનની પસંદગી થયા પછી તેમનું જીવન બદલાઇ ગઇ હતું.

યુસુફ પઠાણે તેની અંતિમ મેચ ટીમ ઈન્ડિયા વતી વર્ષ 2012માં  રમી

યુસુફ પઠાણે તેની અંતિમ મેચ ટીમ ઈન્ડિયા વતી વર્ષ 2012 માં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. ત્યાર બાદ તે ટીમ ઈન્ડિયાનો હિસ્સો ફરીથી થઇ શક્યો નહોતો. યુસુફ પઠાણ ભારતીય ટીમ વતીથી 57 વનડે અને 52 ટી20 મેચ રમી ચૂક્યો છે. વનડે ક્રિકેટમાં યુસુફના નામે 810 રન નોંધાયેલા છે. જેમાં 2 સદી અને 3 અડધી સદી સામેલ છે. જ્યારે 33 વિકેટ પોતાના નામે કરી છે. ટી20 ક્રિકેટમાં 22 મેચ રમીને 236 રન અને 13 વિકેટ ઝડપી છે. જ્યારે IPL માં 174 મેચ રમીને 3204 રન નોંધાવ્યા છે. આ દરમિયાન એક સદી અને 13 અડધી સદી નોંધાવી છે.

હાર્ડ હિટિંગ બૅટ્સમૅન તરીકે યુસુફ પઠાણની ઓળખ

હાર્ડ હિટિંગ બૅટ્સમૅન તરીકે ઓળખાતા યુસુફ પઠાણે 1999-2000માં વિજય મરચન્ટ ટ્રૉફીમાં બરોડા અંડર 16 ટીમમાં રમવાની શરૂઆત કરી હતી. પ્રભાવશાળી પ્રદર્શન બાદ તેઓ બરોડા અંડર-19 અને વેસ્ટ ઝોન અંડર-19 ટીમમાં પણ રમ્યા હતા. તેઓ 2001-2002માં સૌરાષ્ટ્ર સામે રણજી ટ્રૉફીમાં રમ્યા પણ 2004-05ની સીઝન સુધી તેઓ બરોડાની ટીમમાં સ્થાયી રીતે જગ્યા નહોતા બનાવી શક્યા. એ દરમિયાન તેમના નાના ભાઈ ઇરફાન પઠાણ રાષ્ટ્રીય સ્તરે રમવા લાગ્યા હતા. 2006-07 રણજી ટ્રૉફીમાં સૌથી વધુ સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતા

યુસુફ પઠાણ ડોપિંગના કેસમાં દોષિત ઠર્યો હતો

યુસુફ પઠાણને 2017માં ડોપિંગના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ડોપિંગના ટેસ્ટમાં ફેઇલ થવાને કારણે 2018માં બીસીસીઆઈએ તેમના પર પાંચ મહિનાનો પ્રતિબંધ મૂક્યો હતો. જોકે યુસુફ પઠાણે પોતાના બચાવમાં કહ્યું હતું કે તેમણે પ્રતિબંધિત દવાઓ અપર રેસ્પિરેટરી ટ્રેક્ટ ઇન્ફેક્શન (યુઆરટીઆઈ)ની સારવાર માટે લીધી હતી અને તેમનો ઉપયોગ પ્રદર્શનને ઉત્કૃષ્ટ બનાવવા માટે નહોતો કર્યો.

રણજી મેચ દરમિયાન યુસુફ પઠાણે પ્રેક્ષકને માર્યો લાફો માર્યો હતો

વર્ષ 2012માં વડોદરા અને જમ્મુ-કાશ્મીર વચ્ચે રમાઈ રહેલી રણજી ટ્રોફી મેચ દરમ્યાન યુસુફ પઠાણે એક પ્રેક્ષકને ડ્રેસિંગ રૂમમાં બોલાવી માર મારતાં હોબાળો મચી ગયો હતો. સ્ટેડિયમની પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલા એક યુવકની ટીખળથી અકળાઈ ગયેલા યુસુફ પઠાણે માર મારતાં મેચ દરમ્યાન પોલીસની એન્ટ્રી થઈ હતી. જોકે પોલીસ આવતાં જ મામલો સમેટી લઈ યુવક સાથે સમાધાન કરી લેવામાં આવ્યું હતું. અને યુસુફ પઠાણની આ ઘટના અંગે જાણ થતાં જ ઈરફાન પઠાણ પણ રિલાયન્સ સ્ટેડિયમ ખાતે આવી ગયો હતો. જ્યાં આવતાં જ તેણે મીડિયાના પ્રતિનિધિઓ સાથે સંવાદ શરૂ કરી સમાચાર ન છાપવા દબાણ કર્યું હતું. અને સાથે જ ઈરફાને મીડિયાને ધમકીના સૂરમાં કહ્યું હતું કે, દેખના ફીર કુછ લીગલ ન કરના પડે.

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ અને કૉંગ્રેસનું ગઠબંધન કેમ ન થયું?

વિપક્ષી દળોના ગઠબંધન 'ઇન્ડિયા'માં કૉંગ્રેસ અને તૃણમૂલ બંને સામેલ હતાં. માનવામાં આવી રહ્યું હતું કે બંને દળો મળીને પશ્ચિમ બંગાળમાં ચૂંટણી લડશે. પરંતુ બંને દળો વચ્ચે બેઠકો અંગે તાલમેલ ન શકતાં બંને અલગઅલગ ચૂંટણી લડશે.માનવામાં આવી રહ્યું છે કે તૃણમૂલ કૉંગ્રેસ રાજ્યમાં કૉંગ્રેસની બેથી વધુ બેઠકો આપવા માટે તૈયાર ન હતી જ્યારે કૉંગ્રેસ પાંચ બેઠકો માગી રહી હતી. રાજનૈતિક વિશ્લેષકો કહે છે કે મમતા બેનરજી કૉંગ્રેસને બે બેઠકોથી વધુ આપવા માટે તૈયાર નહોતાં કારણ કે તેનાથી તેમને મુસ્લિમ વોટો વહેંચાઈ જવાનો ભય હતો.

સચિનને ખભ્ભા પર ઉઠાવવા મારા કેરિયરની યાદગાર ક્ષણ

યુસુફ પઠાણ વર્ષ-2011માં વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમનો સભ્ય હતો. આ વર્લ્ડકપ જિત્યા બાદ યુસુફ પઠાણે સચિન તેડુંલકરને ખભા પર ઉચકી લીધો હતો. યુસુફ પઠાણે નિવૃત્તિ પછી કહ્યું હતું કે, બે વર્લ્ડ કપ જીતવા અને સચિનને ખભ્ભા પર ઉઠાવવા મારા કેરિયરની યાદગાર ક્ષણ છે. યુસુફ પઠાણે 27 માર્ચ 2013ના રોજ મુંબઈની ફિઝીયોથેરાપિસ્ટ આફરીન સાથે નિકાહ કર્યા હતા. ત્યારે હવે યુસુફ પઠાણે ચૂંટણીના મેદાનમાં ઝંપાલાવ્યું છે.