માનવી કલ્પના પણ ન  કરી શકે તેવી પરિસ્થિતિનું સર્જન થયું હતું

" જાન હૈ તો જહાં હૈ" ઉદ્દેશ્ય સાથે સમગ્ર દેશમાં લાગ્યું હતું લોકડાઉન

આ શબ્દો યાદ છે? "..સમગ્ર દેશમાં આજથી સંપૂર્ણ લોકડાઉન લાગુ થશે. લોકોને તેમના ઘરમાંથી બહાર નીકળવાની સંપૂર્ણ મનાઈ છે.  આગામી 21 દિવસ સુધી બહાર નીકળવું એટલે શું એ પણ તમારે ભૂલી જવાનું છે. આ કર્ફયુથી પણ એક ડગલું આગળ છે. "24 માર્ચ, 2020ના રોજ રાતે 8 વાગ્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ "મહામારીને ફેલાતી અટકાવવા અને વાઇરસની ચેઇન તોડવા માટે" દેશને થંભાવી દીધો હતો. તે દિવસ સુધીમાં ભારતમાં કોરોનાના 519 કેસ નોંધાયા હતા અને નવ વ્યક્તિનાં મૃત્યુ નીપજ્યાં હતાં. 

પ્રધાનમંત્રીના આ લોકડાઉન ભાષણને રેકોર્ડબ્રેક 19.70 કરોડ લોકોએ ટીવી પર જોયુ-સાંભળ્યું હતું.  લોકડાઉન લાગુ થતા જ રસ્તાઓ સુમસામ થયા હતા, સરકારી ફાઇલો મુજબ આ કામ નેશનલ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથોરિટી (એનડીએમએ)ના ઑર્ડર નંબર 1-29/2020-PP (Pt II) દ્વારા કરવામાં આવ્યું હતું. અહીં એ નોંધવું જરૂરી છે કે NDMAના અધ્યક્ષ તરીકે વડા પ્રધાન હોય છે. ગૃહસચિવ NDMAની નેશનલ ઍક્ઝિક્યુટિવ કમિટીના અધ્યક્ષ હોય છે.

લોકડાઉનના ચાર વર્ષ વીતવા છતાંઆર્થિક મહામારીમાંથી બહાર આવવા ઝઝૂમતો  માનવી

કોરોના વાયરસના પ્રકોપથી ભારતને બચાવવા પીએમ મોદીએ આ નિર્ણય લીધો હતો. પીએમ મોદીએ જનતાને 22 માર્ચે સવારે સાત વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી જનતા કર્ફ્યૂનું પાલન કરવા અપીલ કરી હતી. દેશના પીએમની આ વાત લોકોએ માની હતી અને બંધ રાખી સહકાર આપ્યો હતો. જે બાદ 24 માર્ચથી લોકડાઉન લાદવામાં આવ્યા હતું. રેલ, વિમાન, કારખાના, દુકાનો, કંપનીઓ સહિત તમામ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી અને લોકો ઘરમાં કેદ થયા હતા. ધમધમતું ભારત થોડા દિવસો માટે પૂરી રીતે ઠપ થઈ ગયું હતું. આર્થિક પ્રવૃતિઓ, શાળા, વ્યાપાર અને રોજગાર બધું અટકી ગયું હતું. આની સાથે હરવું, ફરવું, પ્રવાસ, હોટેલમાં રહેવું અને રેસ્ટોરન્ટમાં જમવું બંધ થઇ ગયું હતું. સૌથી કરૂણ ઘટના એ હતી કે વ્યાપાર અને ઉદ્યોગો બંધ થઇ જતા, પેટીયું રળવા આવેલા મજુરવર્ગે વતન તરફ પલાયન કર્યું હતું. કોઈ પાસે વાહન હતું નહી, માત્ર એક જ ઉદ્દેશ હતો કે ધરતીનો છેડો ઘર પહોંચી જવું.  વાયરસ સૌથી પહેલા વુહાનમાં જોવા મળ્યો હતો અને ત્યાર બાદ તે સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયો હતો. 

નવા જ પ્રકારના વાયરસની દેશ અને દુનિયા પાસે કોઈ દવા ન હતી

આ વાયરસે દુનિયાને પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. શ્વસનતંત્ર ઉપર સીધો હુમલો કરી જીવલેણ બની શકે તેવા આ નવા જ પ્રકારના વાયરસની દેશ અને દુનિયા પાસે કોઈ દવા ન હતી. ઈલાજ માટે પુરતી જાણકારી હતી નહિ. એક વ્યક્તિ બીજી વ્યક્તિથી દૂર રહે, ભીડ થાય નહિ અને ખુલ્લામાં હરવા ફરવાનું બંધ થાય એ ફર્સ્ટલાઈન ઓફ ડીફેન્સ હતું.  વ્યક્તિને કોરોના વાઈરસનું ઈન્ફેક્શન હોય તો તે 14 દિવસની અંદર ખબર પડી શકે. તેના 5થી 7 દિવસની અંદર બીજાને ઈન્ફેક્શન થઈ શકે છે. તેનાથી બચવા માટે જ લોકડાઉન લગાવવામાં આવ્યું હતું . જો લોકડાઉન કરવામાં ન આવતું તો કોરોના વાઈરસના કેસ ઝડપથી વધવાનું જોખમ હતું.  ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે આઈસીએમઆરે કોરોના વાઈરસ પર એક રિસર્ચ કર્યું હતું. આ રિસર્ચમાં મેથેમેટિકલ કેલક્યુલેશન દ્વારા અંદાજ લગાવવામાં આવ્યો હતો કે જો કડક રીતે સોશિયલ ડિસ્ટન્સ, ક્વોરોન્ટાઈ અથવા લોકડાઉન કરવામાં આવશે તો તેનાથી ઈન્ફેક્શન ફેલાવામાં 89 ટકાનો ઘટાડો આવી શકે છે. સમગ્ર દેશ થંભી જતા પર્યાવરણમાંથી પ્રદુષણમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.

હોસ્પિટલમાં લાશોના ઢગલા અને સતત સળગતી ચિતાઓએ  ભયાવહ દ્રશ્યો સર્જ્યા હતા

કોરોનાકાળમાં ટપોટપ લોકોની મોતથી હોસ્પિટલમાં મૃતદેહોની લાઈનો અને 24 કલાક સ્મશાનોમાં સળગતી ચિતાના ભયાવહક દ્રશ્યો આજે પણ કોઈ ભૂલી શકે તેમ નથી. આ દરમ્યાન અનેક લોકોએ રોજગારી ગુમાવી હતી. શું કરવું તે બાબતે સરકાર પણ વિમાસણમાં મુકાઈ હતી. કારણે કે, આટલી મોટી વસ્તી ધરાવતા દેશમાં આ પરિસ્થિતિને પહોંચી વળવા કોઈ નક્કર આયોજન પણ ના હતું. પરંતુ , મોદી સરકારે પરિસ્થિતિને પહોંચી વળવા સાથે કોવીડ વેક્સિન બનતા ડોઝનું તબક્કાવાર આયોજન કરી વિશ્વને ચોંકાવી દીધા હતા. પોલીસ તંત્ર , ફાયરવિભાગ અને તબીબો પોતાના જીવની અને પરિવારની  પરવાહ કર્યા વિના સેવામાં જોતરાયા હતા. અને મીડિયા વર્ગ પણ તમામ ઘટનાઓથી લોકોને માહિતગાર કરી રહ્યો હતો. ભારત દેશમાં રેકોર્ડ બ્રેક વેક્સિનેશન સાથે વિદેશોમાં પણ વેક્સિન પહોંચાડવાનું કાર્ય થયું હતું. આ પરિસ્થિને ચાર વર્ષ વીત્યા ,પરંતુ કાતિલ કોરોના આર્થિક પરિસ્થિતિ એવી ડામાડોળ કરી ગયો કે હજુ પણ લોકો તેમાંથી બહાર  નીકળવાની મથામણમાં છે.