વડોદરામાં ક્રાંતિવીરોને આશ્રય આપનાર હવેલી આજે પણ અડીખમ

‘શહીદ દિવસ’ – મહાન ક્રાંતિકારી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ

ભગતસિંહ છૂપાવેશમાં પોતાના સાથીદારો રાજગુરુ તથા સુખદેવ સાથે વડોદરામાં કારેલીબાગ સ્થિત આર્યકન્યા વિદ્યાલય ખાતે ત્રણ દિવસ રહ્યાં હોવાનું ઇતિહાસકારો કહી રહ્યા છે. સાયમન કમિશનના વિરોધ દરમિયાન લાલા લજપતરાય પર લાઠીચાર્જ બાદ તેમના મૃત્યુથી ક્રાંતિકારી ભગતસિંહ તથા તેમના સાથીદારો રાજગુરુ અને સુખદેવમાં ભારે રોષ ભરાયા હતા અને તેમણે લાઠીચાર્જ કરાવનાર અંગ્રેજ પોલીસ અધિકારી જે.પી. સોન્ડર્સને 17 ડિસેમ્બર 1928નાં રોજ ઠાર માર્યા હતાં. ત્યાર બાદ આ ક્રાંતિકારીઓ ધરપકડથી બચવા છૂપાવેશે દેશભરમાં ફરી રહ્યાં હતાં. આ દરમિયાન ભગતસિંહ, રાજગુરુ તથા સુખદેવ કારેલીબાગની આર્યકુમાર આશ્રમમાં ત્રણ દિવસ માટે રોકાયા હતા. ક્રાંતિવીરોને આશ્રય આપવો વડોદરા માટે ગર્વની બાબત છે.

ક્રાંતિકારીઓ ધરપકડ ટાળવા છૂપાવેશે વડોદરામાં રહ્યા હતા

 

ભારતમાં દર વર્ષે 23 માર્ચે ‘શહીદ દિવસ’ ઉજવવામાં આવે છે. 23 માર્ચ, 1931ની મધ્યરાત્રિએ બ્રિટિશ હકૂમતે ભારતના ત્રણ ક્રાતિકારી વીર સપૂત- ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપી હતી. શહીદ દિવસ તરીકે ઓળખાતા આ દિવસને ભારતીય ઈતિહાસ માટે કાળો દિવસ માનવામાં આવે છે, પરંતુ આઝાદીની લડાઈ માટે પોતાનું બલિદાન આપનારા આ વીર આપણા આદર્શો છે. આ ત્રણેય ક્રાતિકારીઓના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે જ શહીદ દિવસ ઉજવવામાં આવે છે. આમ બ્રિટિશ અદાલતના આદેશ અનુસાર ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને 24 માર્ચ, 1931ના રોજ સવારે 8 વાગ્યે ફાંસી આપવામાં આવનાર હતી. પરંતુ 23 માર્ચ, 1931ના રોજ જ આ ત્રણેય ક્રાંતિકારીઓને મોડી સાંજે સાત વાગ્યાની આસપાસ ફાંસી આપવામાં આવી હતી અને તેમના નશ્વર દેહ તેમના પરિવારને સોંપવાના બદલે સતલજ નદીના કિનારે અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા.

આર્યકુમાર આશ્રમની આ હવેલીમાં ક્રાંતિવીરો રોકાયા હતા

અંગ્રેજો પાસેથી દેશને આઝાદી અપાવવા માટે ચાલી રહેલી ચળવળમાં વડોદરાનો પણ પ્રત્યક્ષ અને પરોક્ષ ફાળો રહેલો છે. અંગ્રેજ પોલીસ અધિકારીને ઠાર મારીને ક્રાંતિવિર શહીદ ભગત સિંહ, રાજગુરૂ અને સુખદેવ ત્રણ દિવસ વડોદરા આવી પહોંચ્યા હતા અને કારેલીબાગમાં આવેલા આર્યકુમાર આશ્રમમાં રોકાયા હતા. ક્રાંતિવિર શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ જે આર્યકુમાર આશ્રમમાં રોકાયા હતા તે હવેલી આજે પણ અડીખમ છે. આ હવેલીની બાજુમાં હવનકુંડ પણ આવેલો છે. જે હવનકુંડમાં ક્રાંતિવિરોએ પૂજા પાઠ પણ કર્યાં હતા.

અંગ્રેજ પોલીસ અધિકારીને ઠાર મારી ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવ આર્યકુમાર આશ્રમમાં 3 દિવસ રોકાયા હતા

ત્રણ દિવસ સુધી વેશપલટો કરીને રોકાયેલા ત્રણ ક્રાંતિવીરો રોકાયા હોવાથી શહીદ ભગતસિંહના જન્મ દિવસે તેમના પરિવારજનો પણ આ સ્થળે આવતા હતા. આ ઉપરાંત વિવિધ સામાજિક સંસ્થાઓ પણ અવારનવાર મુલાકાતે આવે છે. કારેલીબાગમાં આવેલા આર્યકુમાર આશ્રમમાં ક્રાંતિવીર શહિદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવે કરેલું રોકાણ વડોદરા માટે ગૌરવની વાત છે. ભારતની આઝાદીમાં ક્રાંતિવીરોનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. જેમાં શહિદ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, રાજગુરુ, સુખદેવ સહિત અનેક નામી-અનામી લડવૈયાઓએ દેશની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે , છેલ્લા 42 વર્ષથી આ સ્થળે રહેતા નિરજભાઇ ત્રિપાઠીના  પૂર્વજો આર્યકુમાર આશ્રમ સાથે સંકળાયેલા હતા અને આજે પણ આર્ય સમાજ માટે સેવાઓ આપી રહ્યા છે.