ટૂંક સમયમાં વડોદરાના રાજકારણમાં મોટાપાયે નવાજૂનીનાં એંધાણ

હાલ 7 મેં ના રોજ ગુજરાત રાજ્યમાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ  રહી છે. મોદીને કારણે જ ભાજપે વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં પણ ગુજરાતની દરેક 26 સીટ પર જીત મેળવી હતી. અને ત્યારથી ગુજરાતમાં ભાજપનો દબદબો રહ્યો છે. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અતિ લોકચાહના વચ્ચે ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ પક્ષ નામશેષ બન્યો છે. કોંગ્રેસના ગણ્યા ગાંઠ્યા કાર્યકર્તાઓ વચ્ચે પણ આંતરિક જુથવાથ વધતા અનેક લોકો પક્ષ સાથે છેડો ફાડી રહ્યા છે. જે પૈકી મોટાભાગના કાર્યકર્તાઓ ભાજપ પક્ષમાં જોડાઈ ચુક્યા છે. અને આજે કોંગ્રેસ ગુજરાતમાં ફરી વર્ચસ્વ ઉભું કરવા મથી રહી છે. અગાઉ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ બે જ પક્ષ ચાલે તેવું સાંભળવા મળતું હતું. પરંતુ આમ આદમી પક્ષની એન્ટ્રી થતા જ વિધાનસભામાં 14 ટકા મતો સાથે ગુજરાતમાં ત્રીજા પક્ષે પણ માથું ઉંચકતા રાજકારણમાં નવો વળાંક આવ્યો હતો. જો કે , હાલ આમ આદમી પક્ષના કાર્યકર્તાઓ પણ મોટી સઁખ્યામા આપથી છેડો ફાડી કેસરિયો ધારણ કર્યો છે. અને આમ આદમી પણ ગુજરાતમાં પોતાનું વર્ચસ્વ જમાવવા પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ - આપના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ સીધા હોદાઓ મેળવી લેતા ભાજપ પક્ષમાં પણ અંદરોઅંદર જૂથબંધીનો ચરુ ઉકળી રહ્યો છે. વાઘોડિયાના દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે અગાઉ થી જ ભાજપ પક્ષ સાથે છેડો ફાડી નાખ્યો છે. હાલમાં જ ભાજપના સાવલી વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેતન ઇનામદારે અંતર આત્માના અવાજ સાથે ધારાસભ્ય પદેથી રાજીનામુ ધરી દીધું હતું તો વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર રંજનભટ્ટને સતત ત્રીજી વખત રિપીટ કરાતા માજી મેયર ડૉ .જ્યોતિબેન પંડ્યાએ અંતર આત્માનો અવાજ સાંભળી પક્ષ વિરુદ્ધ બળવો પોકાર્યો હતો. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં રંજનભટ્ટ વિરુદ્ધની કોમેન્ટ થતા તેમણે ઉમેદવારી પરત  ખેંચતા ફરી એક વખત વડોદરા ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. એવું કદાચ પ્રથમ વખત હશે કે, લોકસભાની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં વડોદરા વિવાદોનું કેન્દ્રબિંદુ બન્યું હોય સમગ્ર બાબતની પ્રદેશ સ્તરે ગંભીર નોંધ લેવાઈ રહી છે. ખાસ કરીને , ગુજરાત ભાજપનો ગઢ  હોય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોઈ રિસ્ક લેવા માંગતા નથી. પરિણામે લોકસભા ચૂંટણી બાદ વડોદરાના રાજકારણમાં મોટાપાયે નવાજૂનીનાં એંધાણનો વર્તારો છે.