આસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનું આ પર્વ

હોળી, જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે, તેને 'દોલયાત્રા' કે 'વસંતોત્સવ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામનાં પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા, લાકડાં ની 'હોળી' ખડકવામાં આવે છે. ત્યાર બાદ બધાં લોકો ત્યાં વાજતે ગાજતે (ઢોલ,શરણાઇ જેવાં વાજીંત્રો વગાડતાં) એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે. જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે, પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું. હિંદુ ધર્મમાં આને લગતી "હોળીકા અને પ્રહલાદ"ની કથા બહુ જાણીતી છે.

હોળીનાં બીજા દિવસે ધુળેટી મનાવાય છે. 

આ તહેવાર 'રંગોનો તહેવાર' એટલેજ કહેવાય છે કે આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબિજા પર અબિલ, ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. જો કે હવેનાં સમયમાં ક્યાંક ક્યાંક રસાયણિક રંગોનો ઉપયોગ પણ કરાય છે, જેનો ઉપયોગ બને તેટલો ટાળવો હિતાવહ છે.

આ વર્ષે હોલિકા દહન 24 માર્ચ, રવિવારે રાત્રે કરવામાં આવશે. 

હોલિકા દહનનો શુભ મુહુર્ત  11:13 વાગ્યાથી શરૂ થશે અને 12:27 વાગ્યા સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન, હોલિકા દહન નિયમો અનુસાર કરી શકાય છે. આ ઉપરાંત હોલિકા દહન પણ પ્રદોષ કાળમાં કરવામાં આવે છે. હોલિકા દહન પછી બીજા દિવસે રંગો સાથે હોળીની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે 25મી માર્ચે ધુળેટી રમાશે. એવું કહેવાય છે કે હોળીના દિવસે લોકો તમામ દુશ્મનાવટ ભૂલીને એકબીજાને ભેટી પડે છે.

હોળીકા અગ્નિમાં બળીને ભસ્મ થઇ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો

 

 હોળી સાથે પૌરાણીક કથાઓ સંકળાયેલી છે. માન્યતા અનુસાર, હિરણ્યકશ્યપ એ દાનવોનો રાજા હતો. અને તેમને બ્રહ્માજીનું વરદાન હતું કે તે 'દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા કોઇપણથી તેનું મૃત્યુ થશે નહીં', આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો કે તેને મારવો તે લગભગ અસંભવ થઇ ગયું. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો, તથા સ્વર્ગ અને પૃથ્વી પર બધેજ હાહાકાર મચાવી દીધો. તેમણે ઇશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરાવવાનું શરૂ કર્યું. આ દરમિયાન, હિરણ્યકશ્યપનો પોતાનો દિકરો, પ્રહલાદ, જે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. તેને કંઇ કેટલાં પ્રલોભનો તથા બીક બતાવી તેમણે ઇશ્વર ભક્તિથી દુર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી. તેણે પ્રહલાદને મારવા માટે પણ કંઇ કેટલા ઉપાય કર્યા, પરંતુ ઇશ્વરકૃપાથી તે દરેક નિષ્ફળ રહ્યા. અંતે પ્રહલાદને મારવાનાં ઉદ્દેશથી હિરણ્યકશ્યપે પ્રહલાદને, પોતાની બહેન હોળીકાનાં ખોળામાં બેસી, અગ્નિપરિક્ષા આપવાનો આદેશ આપ્યો. હોળીકા, કે જેની પાસે એક એવી ઓઢણી (સ્ત્રીઓ એ માથે ઓઢવાનું કાપડ) હતી કે જે તેને ધારણ કરે તેનાથી અગ્નિ પણ બાળી શકે નહીં. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાથના કરી. અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી હોલિકાનાં માથા પરથી ઉડી અને પ્રહલાદને વીંટાઈ ગઈ, આથી હોળીકા અગ્નિમાં બળીને ભસ્મ થઇ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો.

ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશ્યપના વધની કથા

 આમ હોળીકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની. પછીથી ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશ્યપના વધની કથા આવે છે, જેમાં વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કરી (જેમાં ભગવાનનું અડધું શરીર મનુષ્યનું અને અડધું સિંહનું છે) અને બરાબર સંધ્યા સમયે, ઘરનાં ઉંબરા વચ્ચે, પોતાનાં ખોળામાં પાડીને, પોતાનાં નખ દ્વારા ચીરી નાખી, હિરણ્યકશ્યપનો વધ કર્યો. આમ આસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનું આ પર્વ છે. આ ઉપરાંત અન્ય કથાઓ પણ પ્રચલિત છે.

હોળીનો તહેવાર મનાવવાનું એક બીજું વૈજ્ઞાનિક કારણ

હોળીનો તહેવાર વર્ષમાં એવા સમયે આવે છે જ્યારે વાતાવરણમાં પલટો થવાને કારણે લોકો આળસુ બની ગયા હોય છે. ઠંડીમાંથી ગરમ વાતાવરણ થવાને કારણે શરીરને થોડીક થકાવટ અને સુસ્તીનો અનુભવ થવો તે કુદરતી છે. શરીર આ સુસ્તીને દૂર ભગાડવા માટે જ લોકો ફાગણની આ ઋતુમાં જોરશોરથી હોળી પર્વની ઉજવણી કરે છે. આ ઋતુમાં વગાડવામાં આવતું સંગીત પણ શરીરને નવી ઉર્જા પ્રદાન કરે છે. આ ઉપરાંત રંગ જ્યારે શરીર પર નાંખવામાં આવે છે ત્યારે તેનો અનોખો પ્રભાવ પડે છે.  હોળીમાં શરીર પર ફૂલોમાંથી તૈયાર કરવામાં આવેલા રંગીન પાણી, વિશુદ્ધ રીતે અબીલ અને ગુલાલ નાંખવાથી શરીરને ફ્રેશ અનુભવ કરાવે છે અને આ શરીરને તાજગીભર્યુ બનાવે છે. જૈવ વૈજ્ઞાનિકોનું માનવું છે કે ગુલાલ અથવા અબીલ શરીરની ત્વચાને ઉત્તેજિત કરે છે અને છિદ્રોમાં સમાઇ જાય છે અને શરીરને મજબૂતી આપે છે. સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે. તેનાથી સુંદરતામાં પણ નિખાર આવે છે.  હોળીનો તહેવાર મનાવવાનું એક બીજું વૈજ્ઞાનિક કારણ છે. જે હોલિકા દહનની પરંપરા સાથે જોડાયેલું છે. શરદ ઋતુની સમાપ્તિ અને વસંત ઋતુના આગમનનો આ સમય પર્યાવરણ અને શરીરમાં બેક્ટેરિયાની વૃદ્ધિમાં વધારો કરે છે પરંતુ હોલિકા દહનથી લગભગ 145 ડિગ્રી ફેરનહિટ સુધી તાપમાન વધે છે.  પરંપરા અનુસાર જ્યારે લોકો સળગતી હોલિકાની પરિક્રમા કરે છે ત્યારે હોલિકામાંથી નિકળતી ગરમી શરીર અને આસપાસના પર્યાવરણમાં રહેલ બેક્ટેરિયાને નષ્ટ કરે દે છે. અને આ પ્રકારે તે શરીર તથા પર્યાવરણને સ્વચ્છ કરે છે. દક્ષિણ ભારતમાં જે રીતે હોળી મનાવવામાં આવે છે, તેનાથી સ્વાસ્થ્યને લાભ થાય છે. હોળિકા દહન બાદ ઓલવાઇ ગયેલી રાખ વિભૂતિ તરીકે પોતાના માથા પર લગાવે છે અને સારા સ્વાસ્થ્ય માટે તેઓ ચંદન તથા આંબા પરના મોરને મિક્સ કરીને સેવન કરે છે.

 હોળીના 8 દિવસ પહેલાથી જ હોળાષ્ટક બેસી જાય છે. 

હોળાષ્ટકનું સમાપન હોલિકા દહન સાથે જ થાય છે. આપણા ધર્મમાં હોળાષ્ટક દરમિયાન શુભ કાર્યો કરવાની મનાઈ છે. હોળાષ્ટકમાં  લગ્ન, સગાઈ જેવા શુભકાર્યો ન કરવા જોઈએ. આ સિવાય મુંડન અને નામકરણ જેવા સંસ્કાર આદી કાર્યો પણ ટાળવા જોઈએ. નવા નિર્માણકાર્યો, વાહન, પ્લોટ કે પછી કોઈ પ્રોપર્ટી ખરીદવી કે વેચવી વર્જિત છે. યજ્ઞ અને હવન જેવા કાર્યો ન કરવા જોઈએ. શુભકાર્યોની શરૂઆત ન કરવી જોઈએ, જો તમે કોઈ નવી દુકાનનો શુભારંભ કરવાનું વિચારી રહ્યા છો તો હોળાષ્ટક પહેલા અથવા પછી કરો. સોના-ચાંદીના ઘરેણાની ખરીદી ન કરવી જોઈએ. તમે હોળાષ્ક પહેલા કે પછી તેને ખરીદી શકો છો.

હોળીના દિવસોમાં ખાસ ખાવામાં આવતી વાનીઓનું આરોગ્યની દ્રષ્ટિએ મહત્ત્વ છે. 

ખજૂર ધાણી અને હાયડાનું વેચાણ આ દિવસોમાં વધે છે. હોળી પર્વ એ શિયાળાનો અંત અને ઉનાળાની શરૂઆતમાં આવનાર તહેવાર છે. જેથી વહેલી સવારે ઠંડીનો અહેસાસ થાય છે તો બપોરના સમયે આકારો તાપ અને સાંજે ફરી ઠંડકની અનુભૂતિ થાય છે. જેથી હોળી આવવાના અને હોળી પછીના કેટલાક દિવસો દરમ્યાન વાતાવરણના કારણે સામાન્ય રીતે દરેક વ્યક્તિમાં કફ જોવા મળે છે. આ કફને પીગળે છે ત્યારે તેને શોષવા માટે ધાણી ચણા અને ખજૂર ખાવી જોઈએ જેથી તે શોષાઈ જાય છે.