વડોદરાની બેઠક ઉપર ભાજપે નિર્વિવાદિત યુવા ઉમેદવારની કરી પસંદગી

- ડૉ .હેમાંગ જોષીની  પસંદગીએ જુના જોગીઓના પેટમાં રેડ્યું તેલ

દેશમાં લોકસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે. જે અંતર્ગત વડોદરા બેઠક ઉપરથી હાલના સાંસદ રંજન ભટ્ટને સતત ત્રીજી વખત રિપીટ કરાતા સ્થાનિક કક્ષાએ વિરોધનો વંટોળ ઉઠ્યો હતો. આખરે ભાજપે વડોદરાની બેઠક ઉપરથી મહિલા ઉમેદવાર રંજન ભટ્ટના સ્થાને પુરુષ ઉમેદવાર ડૉ .હેમાંગ જોષીની  પસંદગી કરવામાં આવી છે. જેના કારણે રિપીટ થિયરીના વિવાદનો અંત આવ્યો હતો, પરંતુ અગાઉ ક્યારેય ચૂંટણી ન લડેલ ઉમેદવારની ઘોષણા થતા ઘણાના પેટમાં તેલ રેડાયું છે. કારણ કે, આ વખતે ઘણા વડોદરાના કદાવર નેતાઓ લોકસભા ટિકિટની કાગડોળે વાટ  જોઈ રહ્યા હતા. અને ભાજપે હેમાંગનું નામ જાહેર કરી સહુ કોઈને ચોંકાવી દીધા છે. ઉપરથી મલકાતાં અનેકના ભીતર આગની જ્વાળાઓ છે. કહેવું કોને ?કોઈ દુધે ધોયેલું તો છે નહિ.

- વડોદરાના વિકાસ માટે આ ત્રણ પાસાને પ્રાથમિકતા આપશે યુવા ઉમેદવાર

હાલ અન્ય શહેરની સરખામણીએ વડોદરાનો વિકાસ રૂંધાયો હોવાની ટકોર રાજ્યના મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષે કરી છે. ત્યારે હવે વડોદરાને વિકાસની દિશા ચીંધવા યુવા ઉમેદવાર દિશા નક્કી કરતા જણાવ્યું છે કે,  વડોદરાના વિકાસ માટે ત્રણ પાસાઓ એટલે કે  રોડ,રેલ અને  એર કનેક્ટિવિટી મહત્વના પાસા હોય તેની ઉપર ભાર મુકાશે. વડોદરા ગુજરાતની મધ્યમાં  આવેલ છે. અમદાવાદ , સુરત શહેરની માફક વડોદરા રિંગરોડને પ્રાથમિકતા અપાશે. સાંસદ રંજનબેન ભટ્ટએ વડોદરા એરપોર્ટથી ઇન્ટરનેશનલ ફલાઇટ શરુ કરવાનું બીડું ઉપાડ્યું હોય તેની ગુંચવણો દૂર કરી વહેલીતકે કાર્યરત થાય તેની ચિંતા છે. જયારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કામગીરીને તીવ્ર ગતિ મળે તેવા પ્રયાસ રહેશે.

- વિકસિત ભારતના સંકલ્પ સાથે વિકસિત વડોદરાની મશાલ સાથે દિલ્હી પહોંચીશ

આ તકે હેમાંગ જોશીએ જનતાને સંદેશો પાઠવ્યો છે કે, પીએમએ જણાવ્યું છે કે, સૌથી મોટી જાતિ ગરીબ, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો છે. તેમને મજબૂત કરીને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવીશું. આપણા અમૃત સ્તંભો આપણી નારી શક્તિ, આપણી યુવા શક્તિ, આપણા ખેડૂતો અને આપણા ગરીબ પરિવારો છે. જેને પ્રાધાન્ય આપી મને તક આપી છે. હું યુવાનો - વડીલોનો અવાજ બની વિકસિત ભારતના સંકલ્પ સાથે વિકસિત વડોદરાની મશાલ સાથે દિલ્હી પહોંચવાનો છું.

- જનતા મોદીની વંટોળના કારણે હેમાંગ જોશીને મત આપવાની છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'સબકા સાથ- સબકા વિકાસ સાથે સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ ' હોવાનો મૂળમંત્ર આપ્યો છે. રાજકારણમાં પોતાની આવડતથી આ તકના શ્રેયનો અહમ ના કરવો જોઈએ. ખરેખર મારા સારા કર્મો અને પક્ષના કારણે દેશ અને જનતાની સેવા કરવાનો મોકો મળ્યો છે તેમાં જનતા મોદીની વંટોળના કારણે હેમાંગ જોશીને મત આપવાની છે.

- પ્રથમ વાર ચૂંટણીના મેદાનમાં ઉમેદવારને  રોલર કોસ્ટર રાઈડ જેવો અનુભવ

હેમાંગ જોશી પ્રથમ વાર ચૂંટણીના મેદાનમાં ઝંપલાવતા અનુભવ વિષે જણાવ્યું છે કે, રોલર કોસ્ટર રાઈડ જેવો અનુભવ થઇ રહ્યો છે. જેમાં ઘણા પાસાઓને પહેલી વાર જાણવા અને માણવાનો  મોકો પણ  મળી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આદર્શ નેતા માની કાર્ય કરીએ તો તમામ અડચડમાંથી દૂર થવાની સફળતા મળે છે. પ્રચાર પ્રસારની દોડધામમાં પક્ષના કાર્યકર્તા અને લોકોનો સાથ સહકાર અકલ્પનિય મળી રહ્યો છે.  મોડી રાત સુધી કાર્યાલય ખાતે પણ લોકો મળવા આવી  રહ્યા છે. વોર્ડ સ્તરે બેઠકો પણ બેઠકોના દૌરમાં પણ સરાહનીય સહકાર મળી રહ્યો છે.

-  સવાલો ઉદ્દભવતી પ્રચાર - પ્રસાર બેઠકોમાં લોકોની પાંખી હાજરી

હાલ તેઓ મંદિરોમાં ભગવાનના આશીર્વાદ મેળવી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરતા વ્યસ્ત બન્યા છે. એકબાજુ યુવા-કાર્યકરોમાં ઉત્સાહ છે તો ક્યાંક વિવાદનો વંટોળ ન જાગે તે માટે પણ વડોદરાના કદાવર નેતાઓના આશીર્વાદ મેળવી રહ્યા હોવાનું ચર્ચાય છે. જો કે, ચૂંટણીમાં પ્રચાર પ્રસારમાં ભીડ મહત્વનો ભાગ ભજવે છે. હાલ હેમાંગ જોષી ઘણા સ્થળોએ બેઠક યોજી રહ્યા છે. જેમાં લોકોની પાંખી હાજરી સવાલો ઉભા કરે છે. જો કે ,આ બાબત આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે.

- ઉચ્ચ અભ્યાસ સાથે રાજકારણનો ઊંડો અનુભવ ફાયદારૂપ બનશે

ઉમેદવારની વાત કરીએ તો, મૂળ પોરબંદરનાં વતની, ૩૩ વર્ષનાં ડૉ.હેમાંગ યોગેશચંદ્ર જોષી ફીઝીયોથેરાપીસ્ટની ડીગ્રી ધરાવે છે. સાથે હ્યુમન રીસોર્સની ડીગ્રીમાં બીજા વર્ષમાં  પીએચડી કરી રહ્યા છે. આઇડીઇએસ ઇન્ડિયા પ્રા.લી.માં વડોદરા ખાતે એચઆર લીડર તરીકે સંકળાયેલ છે. તેઓ સૌથી નાની ઉંમરમાં વડોદરા નગર પ્રાથમિક શિક્ષણના સભ્ય અને વાઇસ પ્રેસીડેન્ટ બન્યા છે. આ ઉપરાંત  ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય ફીઝીયોથેરાપી કાઉન્સિલમાં નિયુક્ત 2017 થી 2021 સુધી થઇ હતી. તેમજ સદસ્ય સલાહકાર મંડળમાં શ્રમ અને રોજગાર મંત્રાલયમાં સેવા આપી ચુક્યા છે.  ઇન્ડિયા ફાઉન્ડેશન તરફથી એશિયન ડેલીગેટ તરીકે વિયેટનામ, માલદિવ, યુએઇ અને હાલમાં ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તાજેતરમાં વૈષ્ણવ સંપ્રદાયના માંજલપુર વિસ્તારના વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેનના યુવા પ્રમુખપદ તરીકે પસંદગી થઇ છે.  વર્ષ 2015-16 દરમ્યાન વડોદરાની મ.સ. યુનિ.માં  એવીબીપી તરફથી જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાયા હતા. દેશભરમાંથી 40 વર્ષથી નીચેના યુવાનોને ફોક્સ સ્ટોરી ઓફ ઇન્ડિયાનો એવોર્ડ પ્રાપ્ત થયો છે જેમાં તેમનો પણ સમાવેશ છે.  સીએસઆર ફંડમાં ભાજપના કાર્યકર તરીકે 10 કરોડ ભેગા કરીને કોર્પોરેશનની કામગીરી માટે લઇ આવ્યા હતા .તેઓના દિલ્હીના હેલ્થ મીનીસ્ટ્રી માંડવીયા અને વિદેશમંત્રી જયશંકર સાથે ઘનિષ્ઠ સંબંધો હોવાનું ચર્ચાય છે.

- ૧૮ દાવેદારોને સંગઠને રાજકારણનો પાઠ ભણાવ્યો હોવાની પણ ચર્ચા

વડોદરામાં ૧૮ દાવેદારોને સંગઠને રાજકારણનો પાઠ ભણાવ્યો હોવાની પણ ચર્ચા છે. વડોદરામાં મોદીજીનાં નામે ચૂંટાઈ આવી ભ્રષ્ટાચારમાં ઓતપ્રોત રહેનારા કેટલાક નેતાઓની કારકીર્દી પણ પૂર્ણતાના આરે જણાય છે. આ ચૂંટણી બાદ સામે શિક્ષાત્મક પગલા ભરી ઘરભેગા પણ કરાશે. નવા સાંસદ ભ્રષ્ટાચારથી દુર રહી વડોદરાનો વિકાસ કરે તેવું પ્રજા ઝંખી રહી છે. ગંદા રાજકારણ અને ભ્રષ્ટાચાર સાથેનાં વહીવટને કારણે જ વડોદરાનો વિકાસ થઈ શક્યો નથી અને માત્ર નેતાઓનો વિકાસ થયો તે એક કડવી હકીકત છે. રાજકારણમાં હોદા મળતા જ ટૂંકાગાળામાં કરોડપતિ બનતા નેતાઓની આવક મામલે પણ તપાસ જરૂરી બને  છે. અનેક નેતાઓના પર્સનલ કોન્ટ્રાકટરોને  સરકારી ખાતાઓમાં કામોની લ્હાણી થઇ રહી છે.