નિતિન ગડકરીના અંગત જીવનથી રાજકીય કારકિર્દી સુધી એક નજર

- ગડકરી મતદાન માટે નાગપુરના ટાઉન હોલ પહોંચ્યા હતા

લોકસભાના પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. સીટોની દૃષ્ટિએ આ સૌથી મોટો તબક્કો છે. મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે.પ્રથમ તબક્કામાં 1,625 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જેમાંથી 1,491 પુરુષ અને 134 મહિલા ઉમેદવારો છે. આ વખતે 8 કેન્દ્રીય મંત્રીઓ, એક પૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ રાજ્યપાલ પણ મેદાનમાં છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી મતદાન માટે નાગપુરના ટાઉન હોલ પહોંચ્યા હતા . આ વખતે તેમણે અનુમાન લગાવ્યું છે કે નાગપુરમાં લગભગ 65% મતદાન થશે. ભાજપ નાગપુરમાં 75% વોટ મેળવવાના લક્ષ્ય પર કામ કરી રહી છે.

  • RSSનું મુખ્યાલય, નાગપુર એક સમયે કોંગ્રેસનો ગઢ હતો
  •  

લગભગ 99 વર્ષ પહેલાં જ્યારે કેશવ બલિરામ હેડગેવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રચના કરી, ત્યારે તેમણે મુખ્યાલય માટે તેમના શહેર નાગપુરને પસંદ કર્યું. RSSનું મુખ્યાલય હોવા છતાં નાગપુર હંમેશાં કોંગ્રેસનો ગઢ રહ્યું છે. આ બેઠક 1952થી 1996 અને 1998થી 2009 સુધી કોંગ્રેસના કબજામાં રહી. 1996ની ચૂંટણીમાં ભાજપનું ખાતું પહેલીવાર ખૂલ્યું હતું. ત્યારબાદ બનવારીલાલ પુરોહિત સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2014માં નીતિન ગડકરીએ કોંગ્રેસની જીતનો સિલસિલો તોડી નાખ્યો. ત્યારથી તેઓ નાગપુર સીટથી સાંસદ છે. 

- નાગપુરમાં સરળ નથી નીતિન ગડકરીની સફર

નાગપુર લોકસભા સીટ ચર્ચામાં છે. ભાજપના દિગ્ગજ નેતા નીતિન ગડકરી અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક કોંગ્રેસ પાસે છે પરંતુ છેલ્લી બે ચૂંટણીમાં અહીં ભાજપનો વિજય થયો છે. આ વખતે કોંગ્રેસને અહીં આશા છે. લોકસભા ચૂંટણી 2019ની ચૂંટણીમાં ભાજપનો વોટ શેર વધીને 10 ટકા થયો હતો. નાગપુરમાં લોકો બેરોજગારી અને નાગરિક સુવિધાઓ જેવા સ્થાનિક મુદ્દાઓ વિશે વાત કરી રહ્યા છે. અને જાતિગત ગતિશીલતાને જોતા કોંગ્રેસ માને છે કે આ વખતે તેની પાસે તક છે. કોંગ્રેસ માને છે કે તેની પાસે નાગપુર કોંગ્રેસના પ્રમુખ વિકાસ ઠાકરે મજબૂત સ્થાનિક ઉમેદવાર છે. વિકાસ ઠાકરે નાગપુરના ભૂતપૂર્વ મેયર તરીકેના કાર્યકાળને કારણે લોકપ્રિય વ્યક્તિ છે અને એક તેજસ્વી નેતા તરીકે પણ જોવામાં આવે છે. હાલમાં તેઓ નાગપુર પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય છે. આ વખતે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને વંચિત બહુજન અઘાડી, બીએસપી અને એઆઈએમઆઈએમનું સમર્થન મળવાની આશા છે. ત્રણેય પક્ષોએ નાગપુરમાં કોઈ ઉમેદવાર ઉભા રાખ્યા નથી.

- કોંગ્રેસના ઉમેદવારે કહ્યું- અમારી લડાઈ સરમુખત્યારશાહી સામે છે

કોંગ્રેસના ઉમેદવાર વિકાસ ઠાકરે કહે છે, ‘ગડકરી 2014 અને 2019માં સતત જીત્યા છે. નાગપુર નાયબ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીનું ઘર છે. આમ છતાં હું દબાણ અનુભવી રહ્યો નથી. કોંગ્રેસ અહીં 13 વખત અને ભાજપ માત્ર 3 વખત લોકસભા ચૂંટણી જીતી છે. આ કોંગ્રેસનો ગઢ છે. છેલ્લાં 10 વર્ષમાં અહીં AIIMS, IIT અને IIM બનાવવામાં આવ્યાં છે. ઘણી ટોચની સંસ્થાઓ આવી. અહીં મેટ્રો અને રસ્તાઓ પર ઘણું કામ કરવામાં આવ્યું છે. નાગપુરના વિકાસને કારણે કોંગ્રેસ પણ ગડકરી વિરુદ્ધ બોલી શકતી નથી. તેમનું નિશાન માત્ર વડાપ્રધાન મોદી અને તેમની નીતિઓ છે. મહારાષ્ટ્રમાં જે રીતે બે પક્ષો અને પરિવારો તૂટી ગયા છે, તેની અસર દેખાતી નથી. શરદ પવારની લોકપ્રિયતા 2019 જેવી નથી. ઉદ્ધવની શિવસેનાના ઉમેદવારો વિદર્ભમાં ચૂંટણી લડી રહ્યા હોવા છતાં તેઓ પ્રચારમાં સક્રિય જોવા મળતા નથી. રાહુલ કે કોંગ્રેસના કોઈ મોટા નેતાએ અહીં રેલી કરી નથી. વિપક્ષ વેરવિખેર છે. તેઓ પૂરી તાકાતથી લડતા નથી. તેઓ સ્થાનિક મુદ્દાઓ વિશે વાત કરતા નથી.’

- નીતિન ગડકરી અને પત્ની કંચન ગડકરી પાસે અઢળક સંપત્તિ

ભાજપ એ નાગપુર લોકસભા બેઠક પરથી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ઉમેદવાર બનાવ્યા છે. નીતિન ગડકરી છેલ્લી બે ટર્મથી નાગપુરથી સાંસદ તરીકે ચૂંટાઇ રહ્યા છે. નીતિન ગડકરીએ નાગપુરથી ઉમેદવારી નોંધાવી છે. નીતિન ગડકરી અને તેમના પરિવાર પાસે લગભગ 28 કરોડ રૂપિયાની કુલ સંપત્તિ છે. નીતિન ગડકરી પાસે 12,300 રૂપિયા રોકડા રકમ છે અને તેમની પત્ની પાસે 14,750 રૂપિયા કેશ છે. ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલા સોગંદનામાં મુજબ નીતિન ગડકરીના 21 બેંક ખાતા છે અને તેમાં 49.06 લાખ રૂપિયા જમા થયા હતા. નીતિન ગડકરીની પત્ની કંચન ગડકરીના બેંક ખાતામાં 16.03 લાખ રૂપિયા જમા છે. નીતિન ગડકરી પાસે 15.74 એકર ખેતીની જમીન પણ છે આ સાથે જ તેમના પરિવાર પાસે 14.6 એકર ખેતીની જમીન છેનાગપુર અને મુંબઈ સાથે મળીને નીતિન ગડકરીના કુલ 7 ઘર છે, ગડકરીના નામે મુંબઈમાં બે બિલ્ડિંગ પણ છે

- નિતિન ગડકરીના અંગત જીવનથી રાજકીય કારકિર્દી સુધી એક નજર

કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નિતિન ગડકરીનું નામ મોદી સરકારના સૌથી સારું કામ કરનારા મંત્રીઓની યાદીમાં સૌથી ઉપર આવે છે. સંઘના નીકટ ગણાતા નિતિન ગડકરીએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત 1976માં નાગપુર યુનિવર્સિટીમાં ભાજપની વિદ્યાર્થી શાખા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદથી કરી હતી. નિતિન ગડકરીનો જન્મ નાગપુર જિલ્લાના એક મધ્ય વર્ગીય પરિવારમાં 27મી મે 1957ના રોજ થયો હતો.  ખુબ નાની ઉંમરમાં તેઓ ભારતીય યુવા મોરચા અને ભાજપની વિદ્યાર્થી શાખા એબીવીપી માટે કામ કરવા લાગ્યા હતાં. નિતિન ગડકરીના વિવાહ કંચન ગડકરી સાથે થયા હતાં. બંનેના ત્રણ બાળકો નિખિલ, સારંગ અને કેતકી છે.નિતિન ગડકરી મહારાષ્ટ્ર સરકારમાં 1995-99 સુધી લોક નિર્માણ મંત્રીનો પદભાર સંભાળી ચૂક્યા છે. એટલું જ નહીં તેઓ મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. નિતિન ગડકરીની છબી ઈનોવેટિવ મંત્રી તરીકેની પણ છે. કારણ કે વોટર મેનેજમેન્ટ, સોલર એનર્જી પ્રોજેક્ટ કે પછી એગ્રીકલ્ચરમાં તેઓ કઈંક નવું ઈનોવેશન કરતા રહ્યાં છે. નિતિન ગડકરી 1989માં પહેલીવાર વિધાન પરિષદ માટે ચૂંટાયા હતાં. નિતિન ગડકરી મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં મહારત હાંસલ કરનારા નિતિન ગડકરી મહારાષ્ટ્રમાં સારા રસ્તાઓ બનાવવા માટે પણ જાણીતા છે. મોદી સરકારમાં પણ રોડ પરિવહન મંત્રાલયની કમાન સંભાળ્યા બાદ તેમણે અનેક પ્રોજેક્ટ્સને મુકામ અપાવ્યો.  નિતિન ગડકરીએ કાયદા અને બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે.

- નીતિન ગડકરીની બાયોપિક ‘ગડકરી’

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના જીવન પર આધારિત મરાઠી ફિલ્મ 'ગડકરી' ફિલ્મમાં રાહુલ ચોપરાએ ગડકરીની ભૂમિકા ભજવી હતી .જેમાં ગડકરીની બાળપણથી લઈને રાજકીય કારકિર્દી સુધીની સફર બતાવવામાં આવી છે. તેમના અંગત જીવનની પણ ઝલક જોવા મળે છે. ગડકરીના કેટલાક પ્રખ્યાત ભાષણોના અંશો પણ સામેલ છે. ગડકરીએ તેમના જીવનમાં ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો, પરંતુ તેમણે ક્યારેય હાર માની નહીં.

- મોદી સરકારમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર મંત્રી નીતિન ગડકરી

નીતિન ગડકરી મોદી સરકારમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા કેન્દ્રીય મંત્રીઓમાંના એક તરીકે ઓળખાય છે. તેઓ મોદી સરકાર દ્વારા છેલ્લા બે ટર્મમાં કરેલા વિકાસ કાર્યો અને તેના ટ્રેક રેકોર્ડના આધારે વોટ માંગી રહ્યા છે. નાગપુરમાં એક રેલીમાં આત્મવિશ્વાસ ધરાવતા ગડકરી કહે છે, “જીતમાં કોઈ શંકા નથી, પરંતુ આપણે નાગપુરમાં ભાજપ માટે 75% વોટ શેર માટે પ્રયત્ન કરવો જોઈએ.” તેમના સમર્થકોનું કહેવું છે કે આ વખતે તેઓ તેમને પાંચ લાખથી વધુ મતોથી જીતાડવામાં મદદ કરશે. નાગપુર મહારાષ્ટ્રની પાંચ બેઠકોમાંથી એક છે. બહુજન સમાજ અને બ્રાહ્મણોત્તર સમાજને ભાજપ સાથે જોડવામાં ગડકરીનો સૌથી મોટો ફાળો છે. બહુજન સમાજના કાર્યકર્તાઓને એમણે સાથે લીધા. તેમણે વિદર્ભમાં અનેક નેતા તૈયાર કર્યા છે.ગડકરી વિકાસપુરુષ અને વિકાસને મહત્ત્વ આપનારા નેતા તરીકે ઓળખાય છે. મોદી સરકારના મંત્રીમંડળના સૌથી સફળ મંત્રી તરીકે તેમનો ઉલ્લેખ થાય છે. નીતિન ગડકરીની કામગીરીની પ્રશંસા લોકસભામાં પણ થઈ છે. કૉંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ પણ ગડકરીની કામગીરીની પ્રશંસા કરી છે

- 2024 સુધીમાં ભારતના રસ્તા અમેરિકા જેવા થઈ જશે

ગડકરીએ કહ્યું કે આત્મનિર્ભર, સુખી અને સમૃદ્ધ ભારત બનાવવાનો મોદી સરકારનો સંકલ્પ છે અને અમે તેને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. 2024 સુધીમાં, ભારતનું રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર યુએસની સમકક્ષ હશે, જે વિકાસ અને આર્થિક વૃદ્ધિ તરફ દોરી જશે અને પ્રવાસનને વેગ આપશે. દેશભરમાં અનેક ગામડાઓ ને મુખ્ય રસ્તાથી જોડવામાં આવ્યા છે.દેશમાં અકસ્માત થી દોઢ લાખ લોકોના મરણ થાય છે જેને કારણે 3% જીડીપીને નુકસાન થાય છે ત્યારે હવે હાઇવે પર થતા અકસ્માતને અટકાવવા બ્લેક સ્પોટના નિવારણ માટે દરેક જિલ્લા કક્ષાએ અકસ્માત નિવારણ સમિતિની રચના કરવામાં આવી છે જેના કારણે મૃત્યુદરમાં 22% નો ઘટાડો થયો છે.

- જમીન અને પાણી પછી હવે આકાશમાં રોડ બનાવવા તૈયાર ગડકરી

ભારત દેશ વિકાસની પાંખો સાથે સતત નવા વિક્રમ સર્જી રહ્યો છે. ગરીબોને આવાસ હોય કે પછ છેવાડાના માણસને શહેરો સુધી જોડવા સુંદર રસ્તાઓ હોય, સતત નવા પ્રોજેક્ટ્સ દ્વારા પ્રજાલક્ષી કાર્યોમાં કોઇ કસર જણાતી નથી. ત્યારે રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીની નજર હવે આકાશ તરફ છે. જમીન પર રસ્તાઓ અને એક્સપ્રેસ વેનું નેટવર્ક બિછાવ્યા બાદ તેમનું આગામી લક્ષ્ય લોકોને આકાશમાં મુસાફરી કરાવવાનું છે. ગડકરીએ એવા અંતરિયાળ વિસ્તારોમાં હવાઈ માર્ગો શોધવાનું શરૂ કર્યું છે, જ્યાં સડક માર્ગે જવું શક્ય નથી અને પગપાળા જવું એ એક પડકાર બની રહે છે. તેમણે આગામી 5 વર્ષ માટે એક યોજના તૈયાર કરી છે, જેના પર 1.25 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. ગડકરીએ નેશનલ રોપવે ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ દેશભરમાં 200 રોપવે પ્રોજેક્ટ બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે, જે પર્વતમાલા પ્રોજેક્ટનો એક ભાગ છે. તે 5 વર્ષમાં પૂર્ણ થશે અને આ પ્રોજેક્ટ પર આશરે 1.25 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. ગડકરીએ કહ્યું છે કે, આ માટે સરકાર અને ખાનગી કંપનીઓ તરફથી ફંડની વ્યવસ્થા કરવામાં આવશે. આ યોજના પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ દ્વારા પૂર્ણ કરવામાં આવશે.