વોટિંગ, વટ અને વડોદરા !


— શતાયુ મતદાર કેસુરભાઈ પટેલની અપીલ : મત આપો અને પછી સરકારને શીખ !

— વડોદરા લોકસભમાં ૮૧૧ શતાયુ મતદાર,૬૨૬ મતદારો કરશે મતદાન

— જો મતદાન ન કરે એવા યુવા મતદારો માટે શરમજનક કહી શકાય !


લોકશાહીનો મહાપર્વની ઉજવણી કરવાનો રૂડો અવસર આંગણે ઉભો છે, ત્યારે લોકસભા સામાન્ય ચૂંટણીમાં સમગ્ર વડોદરા જિલ્લામાં મહત્તમ મતદાન થાય અને કોઈ પણ મતદાર મતદાનની પવિત્ર ફરજથી વંચિત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર હેઠળ વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. મતદાર જાગૃત્તિ અભિયાન અંતર્ગત પ્રથમવાર મતદાન કરનાર યુવાઓની સાથે અન્ય તમામ મતદાતાઓને આ ચૂંટણીમાં અચૂક મતદાન કરવા માટે વડોદરા જિલ્લાના શતાયુ મતદાતાઓએ અપીલ કરી છે.

મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કારવણ ગામના ૧૦૧ વર્ષના મતદાર કેસુરભાઈ પ્રભુદાસ પટેલે યુવાનોને મતદાન માટેની ખાસ અપીલ કરતા કહ્યું કે, આપણે સરપંચ, ધારાસભ્ય, સાંસદ કે સરકારે શું કરવું જોઈએ? તેની સરળતાથી શીખ આપી દઈએ છીએ. પણ મત આપવાનો વારો આવે ત્યારે ઉદાસીનતા દાખવીએ છીએ, તો પછી આપણને બોલવાનો અધિકાર નથી. પહેલી લોકસભાથી મતદાન કરતા શતાયુ મતદાર કેસુરભાઈ પટેલે સ્વતંત્રતા બાદ યોજાયેલી ભારતની પ્રથમ ચૂંટણીથી લઈને અત્યાર સુધી યોજાયેલી તમામ ચૂંટણીમાં મતદાન કરતા આવ્યા છે. આ વખતે પણ તેઓ સાતમી તારીખે મતદાન કરવા જશે. તેઓ મતને અમૂલ્ય દાન પણ માની રહ્યા છે. જેથી આજનો યુવા મતદાર બંધારણે આપેલી પવિત્ર ફરજ અને અધિકારને દાનના રૂપમાં સ્વીકારીને પણ સાતમી તારીખે મતદાન કરવા માટે પહોંચી જાય તેવી વિનંતી પણ કરી છે.

વડોદરા જિલ્લાના શતાયુ મતદારો યુવા મતદારોની મતદાન પ્રત્યેની ઉદાસીનતાને ખૂબ જ ગંભીર ગણાવે છે, યુવાનો પોતાની પસંદગીના સાંસદને ચૂંટી શકે તે માટે પાંચ વર્ષે આવતો આ લોકશાહીનો મહાપર્વ છે. જેમાં પ્રત્યેક મતદારે પોતાની ઈચ્છા અને પસંદગીના ઉમેદવારને પસંદ કરીને પણ મતદાનની પ્રક્રિયામાં અચૂક પણે સામેલ થવું જોઈએ, તેવો અભિપ્રાય શતાયુ મતદારો વ્યક્ત કરી રહ્યા છે.

મહત્વનું છે કે, સમગ્ર વડોદરા જિલ્લામાં કુલ ૮૧૧ શતાયુ મતદાર છે, જેમાંથી ૬૨૬ શતાયુ મતદારો આગામી તા. ૭ મે ના રોજ વડોદરા લોકસભા બેઠક માટે મતદાન કરી અન્ય નાગરિકો માટે પ્રેરણારૂપ બનશે. હવે જો વિધાનસભા મતવિભાગ પ્રમાણે વાત કરીએ તો, રાવપુરા વિધાનસભા મતવિભાગમાં ૧૮૯, માંજલપુર વિધાનસભા મતવિભાગમાં ૬૨, અકોટામાં ૧૧૨, સયાજીગંજમાં ૯૯, વડોદરા શહેર વિધાનસભા મતવિભાગમાં ૫૭, કરજણમાં ૬૦, પાદરામાં ૬૭, ડભોઈમાં ૫૮, સાવલીમાં ૬૩, વાઘોડીયામાં ૪૪ સહિત કુલ ૮૧૧ શતાયુ મતદાર છે. પરંતુ પાદરા અને ડભોઈ વિધાનસભા મતવિભાગનો સમાવેશ છોટા ઉદેપુર લોકસભામાં અને કરજણ વિધાનસભા મતવિભાગનો સમાવેશ ભરૂચ લોકસભામાં થાય છે, એટલે કે વડોદરા જિલ્લાના ૧૮૫ શતાયુ મતદારો અન્ય લોકસભા બેઠક માટે મતદાન કરીને બંધારણીય અધિકાર ભોગવશે.જો ૧૦૦ વર્ષની ઉંમર વીત્યા બાદ પણ વરિષ્ઠ મતદારો મતદાન માટે અનોખો જુસ્સો ધરાવતા હોય તો મતદાનને લઈને ઉત્સાહ ન દર્શાવતા યુવા મતદારો માટે આ શરમજનક કહી શકાય !