આવો  પૃથ્વી દિવસ પર ઘરતીનુ ઋણ ચૂકવીએ

- વિકાસ સાથે પર્યાવરણનું રક્ષણ પણ ખૂબ જ જરૂરી

સમગ્ર દુનિયાના દેશ દર વર્ષે 22 એપ્રિલે અર્થ ડે -  પૃથ્વી દિવસ મનાવે છે. પૃથ્વી અને તેના વાતાવરણને સુરક્ષિત કરવાના હેતુથી લોકોને જાગૃત કરવા માટે પૃથ્વી દિવસ મનાવવામાં આવે છે. ભારત સહિત લગભગ 195થી વધુ દેશ પૃથ્વી દિવસ મનાવે છે. પૃથ્વીના મહત્વને સમજતા અને તેની રક્ષા માટે સમગ્ર વિશ્વના લોકોએ એક દિવસની પસંદગી કરી જેને હવે વિશ્વ પૃથ્વી દિવસના નામથી ઓળખવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ લોકોને આંતરરાષ્ટ્રીય સ્તરે એકત્ર કરીને પર્યાવરણ સુરક્ષા માટે પોતાનો સહયોગ આપવા માટે પ્રેરિત કરવાનો છે જેથી આ ગ્રહને નુકસાન પહોંચાડનારી માનવ ગતિવિધિઓને ઓછી કરવામાં આવી શકે.

- લોકોને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બનાવવા આ દિવસ પ્રથમવાર 1970માં ઉજવાયો

પૃથ્વી પર રહેતા તમામ પ્રાણીઓ અને વનસ્પતિઓને બચાવવા અને સમગ્ર વિશ્વમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધારવાના ઉદ્દેશ્ય સાથે આ  દિવસ' ની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. જૈવવિવિધતામાં થતા ફેરફારો ઇકોસિસ્ટમના કાર્યને અસર કરે છે અને ઇકોસિસ્ટમમાં નોંધપાત્ર વિક્ષેપ લાવે છે. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા, 22 એપ્રિલને આંતરરાષ્ટ્રીય પૃથ્વી દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. 60-70ના દાયકામાં જંગલો અને વૃક્ષોના આડેધડ કટીંગને જોઈને સપ્ટેમ્બર 1969માં સિએટલ, વોશિંગ્ટનમાં એક કોન્ફરન્સમાં વિસ્કોન્સિનના યુએસ સેનેટર ગેરાલ્ડ નેલ્સને તેની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી.

- આ વર્ષે પૃથ્વી દિવસની થીમ ‘પ્લેનેટ Vs પ્લાસ્ટિક’

દર વર્ષે પૃથ્વી દિવસ એક થીમ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષે પૃથ્વી દિવસની થીમ 'પ્લેનેટ Vs પ્લાસ્ટિક' છે. આના દ્વારા પ્લાસ્ટિકના વધતા ઉપયોગને કારણે માનવ સ્વાસ્થ્ય પર જે જોખમો થઈ રહ્યા છે. તે અંગે લોકોને જાગૃત કરવાની જરૂર છે. આ ઉપરાંત ઝડપથી વધી રહેલા પ્લાસ્ટિક પ્રદૂષણને રોકવા માટે વૈશ્વિક સંસ્થાઓનું આ તરફ ધ્યાન દોરવું પડશે. વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી શાળાના વિદ્યાર્થીઓ અને સામાજિક સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ કરીને, રસ્તાના કિનારે કચરો ઉપાડીને, લોકોને જીવન જીવવાની સારી રીત અપનાવવા પ્રેરિત કરવા જેવા કાર્યક્રમો યોજીને ઉજવવામાં આવે છે.

- આજે પર્યાવરણ સાથે ચેડા થતા ઋતુચક્ર ખોરવાયું

ગ્લોબલ વોર્મિંગના પરિણામે ઋતુ ચક્રમાં અનિયમિતતા, વાવાઝોડું, પૂર, લાવા, ભૂકંપ, અતિવૃષ્ટિ કે દુષ્કાળ જેવી આપત્તિઓ વધી રહી છે. પ્રદૂષણમાં બેફામ વધારો, આડેધડ કપાઈ રહેલા જંગલ, વિનાશકારી ગેસનું વધી રહેલું પ્રમાણ વિ. માનવસર્જિત આફતોને લીધે આપણી માતા સમી ધરતીનું અસ્તિત્વ જોખમાયું છે. ઓછામાં ઓછું એક વૃક્ષનું વાવેતર કરી તેના સંપૂર્ણ ઉછેરીની જવાબદારી લેવી જોઈએ. આ ઉપરાંત પ્રદૂષણ ફેલાવતી ચીજવસ્તુઓને બદલે ઈકો-ફ્રેન્ડલી વસ્તુઓ વાપરીશ અને બને ત્યાં સુધી વાતાવરણને પ્રદૂષિત કરીશ નહીં તેવા શપથ ગ્રહણ કરવા જોઈએ. કાર્બન ડોયકસાઈડમાં થતાં વધારાને લીધે ગરમ વાયુઓ વાતાવરણમાં જ રહેતા ગ્રીન હાઉસ ઈફેકટ સર્જા‍ઈ રહી છે જેથી ઓઝોનનું પડ તૂટી રહ્યું છે પરિણામ ઋતુચક્ર ખોરવાઈ રહ્યું છે.

- પૃથ્વી એક માત્ર ગ્રહ, જ્યાં જીવન છે

બ્રહ્માંડમાં પૃથ્વી એક માત્ર ખગોળીય પિંડ છે. જેના પર આપણે જીવી શકીએ છીએ. અન્ય ગ્રહો પર જીવનની શક્યતા શોધવામાં આવી રહી છે. હાલમાં પૃથ્વી પર લગભગ 12 લાખ સૂચિબદ્ધ પશુ પ્રજાતિઓ છે. જોકે, માનવામાં આવે છે કે આ કુલ પ્રજાતિઓનો એક નાનકડો ભાગ જ છે. 2011માં વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું હતું કે વિશ્વમાં સમગ્ર રૂપે લગભગ 80 લાખ પ્રજાતિઓ સામેલ છે. પૃથ્વીનું નિર્માણ લગભગ 4.5 અબજ વર્ષ પહેલાં થયું હતું અને પૃથ્વીના ભૌતિક ગુણો તેમજ ઇતિહાસે લાખો વર્ષો સુધી જીવનને અસ્તિત્વમાં ટકાવી રાખ્યું છે. એટલે વર્ષો બાદ પણ ત્યાં જીવન છે.

- પૃથ્વી પર દરેક જગ્યાએ એકસમાન ગુરુત્વાકર્ષણ નથી

આપણો ગ્રહ હકીકતમાં એક આદર્શ ક્ષેત્ર નથી અને તે સિવાય દ્રવ્યમાન દરેક જગ્યાએ સરખું નથી. તેથી ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની તાકાત જગ્યા પ્રમાણે બદલાતી રહે છે. દાખલા તરીકે, જેવા આપણે વિષુવવૃત્તથી ધ્રુવ તરફ આગળ વધીઓ તો ગુરુત્વાકર્ષણની તીવ્રતા વધે છે. જોકે લોકોને આ ફેરફાર વિશે સીધી ખબર પડતી નથી.પૃથ્વી પર પાણી ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થામાં હાજર છે. તે સિવાય ગ્લેશિયર, કાદવ, ઝીલ, નદી, સમુદ્ર અને મહાસાગર તરીકે પણ પૃથ્વીના લગભગ ત્રણ ચતુર્થાંશ ભાગમાં ફેલાયલું છે. ધરતી પર ઉપલબ્ધ કૂલ પાણીનો 97 ટકા ભાગ સમુદ્રનું ખારું પાણી છે. પૃથ્વી પર સૌથી ગરમ માનવામાં આવતી ઘણી જગ્યાઓ છે પરંતુ અત્યાર સુધીમાં સૌથી વધુ તાપમાન અમેરિકામાં ડૅથ વૅલીમાં નોંધાયું છે. 10 જુલાઈ 1913ના રોજ ત્યાં 56.6 ડિગ્રી સૅલ્સિયસ તાપમાન નોંધાયું હતું.જ્યારે ઍન્ટાર્કટિકામાં સૌથી ઠંડું તાપમાન નોંધાયું હતું. 31 જુલાઈ 1983ના રોજ ત્યાં -89 ડિગ્રી તાપમાન હતું.

- પૃથ્વીનો બાયોડેટા

સૂર્યથી પૃથ્વીનું અંતર ૧૪,૯પ,૯૭,૯૦૦ કિ.મી. છે જ્યારે તેનો વ્યાસ ૧૨,૧પ૬ કિલોમીટર છે.સૂર્ય ફરતે પ્રદક્ષિણાનો સમય ૩૬પ.૨૬ દિવસ લાગે છે.પૃથ્વીના ધરીભ્રમણનો સમય ૨૩ કલાક, પ૬ મિનિટ છે.તો તેની સપાટીનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે માઈનસ ૭૦ થી પપ ડિગ્રી સેન્ટીગ્રેડ છે.

- અન્ય દેશોની જેમ ભારતમાં પણ પર્યાવરણની સ્થિતિ સારી નથી

વિશ્વના અન્ય દેશોની જેમ ભારતમાં પણ પર્યાવરણની સ્થિતિ સારી નથી, જે ભારતની આબોહવા પર અસર કરી રહી છે. ભારતમાં વિશ્વ પૃથ્વી દિવસના સંરક્ષણ અને પર્યાવરણના મહત્વને સમજવા માટે અહીં કેટલીક મહત્વપૂર્ણ ટીપ્સ આપી છે. તેનો અમલ કરીને આપણે પૃથ્વીની સુરક્ષામાં યોગદાન આપી શકીશું.

- વૃક્ષારોપણ અભિયાન: વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે આપણે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવું જોઈએ. શાળા, કોલેજ, ઓફિસ અથવા સમુદાયના સભ્યો સાથે રોપાઓ વાવો.

- સંગઠન ઈવેન્ટ: એક સંસ્થા ઈવેન્ટનું આયોજન કરે જેમાં પ્રદૂષણ નિયંત્રણ, સ્વચ્છતા અભિયાન અને પર્યાવરણ સંરક્ષણ અંગે ખુલ્લી ચર્ચા થાય.

 - સામુદાયિક સ્વચ્છતા અભિયાન: આજુબાજુના કેટલાક મિત્રો સાથે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરો, જેમાં સ્થાનિક સ્થળોની સફાઈ કરીને પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે જાગૃતિ લાવી શકાય.

- પર્યાવરણીય સંરક્ષણ સંબંધિત વર્કશોપ: પર્યાવરણ સંરક્ષણ સંબંધિત વર્કશોપનું આયોજન કરો, જેમાં લોકોને વધુ માહિતી અને નવા વિચારો શેર કરવાની તક મળે.