સમયસર સારવાર ન થાય તો જીવલેણ બની શકે મેલેરિયા

  • આ વર્ષની થીમ “Accelerating the fight against malaria for a more equitable world”
  •  

મેલેરિયા એક સમયે વિશ્વમાં રોગચાળા તરીકે ઉભરી આવ્યો હતો. પણ જેમ જેમ વિજ્ઞાન આગળ વધતું ગયું. મેલેરિયા તેટલો ભયંકર નથી રહ્યો. જો કે વિશ્વના ઘણા દેશોમાં સારવારના અભાવે આજે પણ મેલેરિયાના કારણે લોકોના મોત થઈ રહ્યા છે. દર વર્ષે 25 એપ્રિલે મેલેરિયા દિવસ મનાવવામાં આવે છે. આ દિવસનો હેતુ લોકોને મેલેરિયાના લક્ષણો અને તેનાથી બચવા માટે જાગૃત કરવાનો છે. આ દરમિયાન દેશ વિદેશમાં શહેરી અને ગ્રામીણ વિસ્તાર તેનાથી સુરક્ષા અને બચવાની જાગરુકતા ફેલાવવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારોમાં મેલેરિયાની જાગરુકતા ન હોવાથી મેલેરિયાના લપેટામાં આવી જતા હોય છે જેનાથી કેટલીક વખત સ્થિતિ ગંભીર પણ બની જતી હોય છે. અનેક કેસમાં દર્દીએ જીવ પણ ગુમાવવો પડતો હોય છે. મેલેરિયા મચ્છરજન્ય રોગ છે, મચ્છરથી ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવી બીમારી પણ થઈ શકે છે પરંતુ મેલેરિયાને વધુ ખતરનાક માનવામાં આવે છે. મેલેરિયા ઉષ્ણકટિબંધીય દેશોમાં વધારે જોવા મળે છે. આ બીમારીને રોકી શકાય છે, તેનો ઈલાજ પણ સંભવ છે. આપણે જાણીએ છીએ કે, મેલેરિયાના ત્વરિત નિદાન અને પૂર્ણ સારવાર દ્વારા તેને એકદમ મટાડી શકાય છે. પરંતુ મોટાભાગના રોગીઓ તાવ આવતાં લોહીની તપાસ કરાવવા માટે આરોગ્‍ય સેવાઓનો ઉપયોગ કરતા નથી. અંધશ્રદ્ધા અને અજ્ઞાનને કારણે તેઓ બિનઉપયોગી રીતો અજમાવે છે ને બિમારી પર ધ્યાન આપતા નથી, જેને કારણે આ બિમારી સમય જતા જીવલેણ નીવડી શકે છે. જેના કારણે દેશમાં મેલેરિયા જેવી સામાન્ય બિમારીનો ખૂબ લોકો ભોગ બની મૃત્ય પામે છે. જે આપણા દેશ માટે ખુબ જ ચિંતાનો વિષય છે. મેલેરિયા દેશના અનેક વિસ્તારોમાં જાહેર આરોગ્યની એક મોટી સમસ્‍યા બની ગયો છે. મેલેરિયાના મોટા ભાગના કિસ્સાઓ ઝુંપડપટ્ટી, ગંદા વસવાટો અને આંતરિયાળ વિસ્તારોમાં જોવા મળે છે. આ વિસ્તારના લોકોને મેલેરિયા અંગે ઓછી જાણકારી હોય છે અને તેઓ સારવારની પ્રક્રિયા તથા તેના ઉપાયોથી પણ અજાણ હોય છે.

- વિશ્વ મેલેરિયા દિવસ પ્રથમ વખત ક્યારે ઉજવવામાં આવ્યો

25 એપ્રિલ 2008ના રોજ પ્રથમ વખત 'વિશ્વ મેલેરિયા દિવસ' મનાવવામાં આવ્યો હતો. આ દિવસની ઉજવણી કરવાનો હેતુ મેલેરિયા જેવા ખતરનાક રોગ પર લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવાનોઅને તે પ્રત્ય જાગૃત્તા ફેલાવોનો છે. જે રોગથી દર વર્ષે લાખો લોકોના ભોગ લેવાય છે. વધુમાં જણાવી દઈએ કે, આફ્રિકામાં મેલેરિયાના કારણે દર વર્ષે મોટી સંખ્યામાં લોકોના ભોગ લેવાતા હતાં ત્યાં મેલેરિયાથી બચવા માટે દર વર્ષે આફ્રિકા મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવતી હતી. જેને ધ્યાનમાં રાખીને વર્ષ 2007માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ વર્લ્ડ હેલ્થ એસેમ્બલીના 60માં સત્રમાં વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યાર પછી વર્ષ 2008થી દર વર્ષે 25 એપ્રિલે ઉજવવાનું શરૂ કરાયું છે.

- મેલેરિયાના મચ્છરોનું ઉદ્‌ભવ સ્થાન

ઘરમાં કે ઘરની આજુબાજુ જ્યાં પણ પાણી ભરાતું હોય. જેમકે માટલાં, કુંડાઓ, છત પરની ખુલ્લી ટાંકીઓ, તૂટેલાં-ફૂટેલાં વાસણો, પશુઓ માટે પાણી પીવાના હવાડા, ખુલ્લી ગટરો અને નકામા ટાયરો મચ્છરોના ઉદ્‌ભવ સ્થાન છે. મચ્છરો આરામ કરવા માટે અંધારું અને છાંયો આપતી જગ્યાઓ, જેમકે પડદા, સોફાની પાછળની જગ્યા વધુ પસંદ કરે છે.

- મેલેરિયા થયાના લક્ષણ

મેલેરિયાની બીમારીમાં સૌથી કોમન લક્ષણ તાવ આવવો, માથુ દુખાવવું, ઠંડી લાગવી જેવા લક્ષણો સામેલ છે. મેલેરિયાનો મચ્છર કરડવાથી 10-15 દિવસમાં આ બીમારી થઈ શકે છે. મેલેરિયા થવા પર થાક લાગવો, શ્વાસ લેવામાં તકલીફ પડવી, બેહોશી આવવી, કાળો કે લોહીવાળો પેશાબ આવવો, બ્લીડિંગ થવુ અને આંખો, ત્વચાનો રંગ પીળો પડી જવાના લક્ષણ પણ સામેલ છે.

- મલેરિયાનું ઘાતક સ્વરૂપ

મેલેરિયાના સંક્રમણમાં જો દર્દીને સમયસર સારવાર આપવામાં ન આવે તો તેના ઘાતક પરિણામો આવી શકે છે. દર્દીના મગજની રક્તવાહિનીઓમાં બળતરા વધી શકે છે. ફેફસામાં પ્રવાહી જમા થવાને કારણે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. તબીબી ભાષામાં તેને 'પલ્મોનરી એડીમા' કહેવાય છે. એ સિવાય લિવર, કીડની અને બરોળ જેવાં મુખ્ય અંગો ફેલ થઈ શકે છે. લાલ રક્ત કોશિકાઓને નુકસાન એનિમિયા તરફ દોરી શકે છે. દર્દીને લો બ્લડ શુગરની સમસ્યા પણ થઈ શકે છે.

- ત્વરિત નિદાન અને પૂર્ણ સારવાર

સૌપ્રથમ તાવ આવે કે ઠંડી લાગે ત્‍યારે તરત દર્દીના લોહીની તપાસ કરાવવી. સારવાર માટે આશા વર્કર, મેલેરિયાલિંક વર્કર તથા તાવ ઉપચાર કેન્દ્ર દ્વારા કલોરોકવીનથી કરવામાં આવે છે. લોહીની તપાસ માટે માત્ર એક ટીપાં લોહીની જરૂર પડે છે. લોહીની તપાસ રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ અને માઇક્રોસ્કોપી ટેસ્ટ દ્વારા કરવામાં આવે છે. જેથી માઇક્રોસ્ક્રોપી ટેસ્ટ દ્વારા તેના લોહીની તપાસ કરાવી શકાય. મેલેરિયાના સારવારનો આધાર પરજીવીની પ્રજાતિ અને રોગીની ઉંમર પર હોય છે. જેથી તેની સાચી ઓળખ થવી જરૂરી છે.

- મેલેરિયા અટકાવવાના ઉપાયો

સૂતી વખતે કિટકનાશકથી ટ્રીટમેન્ટ કરેલી મચ્છરદાનીનો ઉપયોગ કરવો. જેનું વિતરણ મેલેરિયાજન્ય વિસ્તારોમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. કિટકનાશકને છંટકાવ કરવો, મચ્છરો પેદા થતાં હોય એવા સ્થળો, ખાડાઓ ભરી દેવા, ભરાઇ રહેલા પાણીમાં પોરાભક્ષક માછલી ગમ્બુજિયા મુકવી. ગામ, ઘર અને શાળાની આજુબાજુ સ્વચ્છતા અને મેલેરિયાની પૂર્ણ સારવાર સૌથી અગત્યનો ઉપાય છે. સહિયારા પ્રયાસોથી મેલેરિયાથી મૂક્તિ મેળવીએ અને વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી સાર્થક બનાવીએ. મેલેરિયાથી બચવા માટે પહેલાં મચ્છરોને ઘરની અંદર કે બહાર પ્રજનન કરતા અટકાવો. એ માટે તમારી આસપાસ સ્વચ્છતાનું ધ્યાન રાખો. સ્થિર પાણીમાં મચ્છરોને પેદા ન થવા દો. તે માટે વરસાદ શરૂ થાય તે પહેલાં ઘરની નજીકની ગટરોની સફાઈ કરાવી દો અને રસ્તાઓ પરના ખાડાઓને પૂરી દો. સમયાંતરે ઘરના ખૂણે-ખૂણે જંતુનાશકોનો છંટકાવ કરતા રહો. ઘરની અંદર કે આજુબાજુના કુલર, એસી, કુંડા અને ટાયર વગેરેમાં પાણી જમા ન થવા દેવું. પાણીની ટાંકીઓને પણ બરાબર ઢાંકી રાખો.

- માદા એનોફ઼િલીસ મચ્છર કરડવાથી આ રોગ થાય છે

મેલેરિયા કે જે મચ્છરો દ્વારા ફેલાતી સૌથી જીવલેણ બીમારી છે કે જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી ફેલાય છે. આ મચ્છર ડંખ મારતી વખતે આપણા લોહીમાં પોતાના પરોપજીવી છોડે છે. આ પરોપજીવી શરીરમાં પ્રવેશતાની સાથે જ તે લીવર તરફ આગળ વધે છે. પરિપક્વતાના થોડા દિવસો બાદ પરોપજીવી લોહીમાં પ્રવેશ કરે છે અને લાલ રક્ત કોશિકાઓને નુકસાન પહોંચાડે છે.

- દેશમાં આ રીતે મેલેરિયા પર નિયંત્રણ આવ્યુ

બીજા વિશ્વયુદ્ધ પછી જાહેર આરોગ્ય સેવાઓમાં મેલેરિયા નિયંત્રણ માટે ડી.ડી.ટીનો ઉપયોગ થવા લાગ્યો. આપણા દેશના ગ્રામીણ વિસ્તારોમાં ડી.ડી.ટીના છંટકાવના સારા પરિણામ મળવા લાગ્યા જેના કારણે મેલેરિયાના કેસોના પ્રમાણમાં પણ ચમત્કારિક રીતે ઘટાડો નોંધાયો. તેની સાથે સાથે હવે ભારતમાં કૃષિ અને વિવિધ ક્ષેત્રના ઉત્પાદન વૃદ્ધિ થતી જણાઈ હતી. આ પરિણામને લક્ષ્યમાં લઈને વિશ્વ આરોગ્ય સંસ્થાએ 1955માં ભારતમાં મેલેરિયા નાબુદી કાર્યક્રમ માટે ભલામણ કરી હતી.