નડાબેટ સીમા દર્શન: ઇતિહાસ અને વીરતાની ભૂમિ

નડાબેટ સીમા દર્શન, ભારતીય સરહદ પર સ્થિત એક અદ્વિતીય સ્થળ છે, જે ભારતીય વીરતા અને પરાક્રમનું જીવંત પ્રતીક બની રહ્યું છે. આ સ્થળ ભારતીય સૈનિકોની શૌર્યગાથાઓ અને દેશભક્તિની કહાણીઓને સમર્પિત છે, જે દરેક ભારતીયને ગૌરવાન્વિત કરે છે. નડાબેટ સીમા દર્શન એ નવા પેઢીના યુવાનોને ભારતના વીર સૈનિકોનું જીવન, તેમના બલિદાનો અને દેશની સીમાઓની રક્ષા માટેની તેમની અડગ પ્રતિબદ્ધતાનો અનુભવ આપનાર એક અનોખું મંચ છે. આ યાત્રા દરેક ભારતીયને આપણા દેશની રક્ષા માટે સતત તત્પર રહેતા વીર સૈનિકોની સેવા અને ત્યાગને સમજવા અને તેનું માન આપવાની પ્રેરણા આપે છે.

સરહદ કેવી હોય છે એ નાગરિકો માટે હંમેશા કુતૂહલનો વિષય બની જાય છે કેમ કે સરહદ આસાનીથી જોવા મળતી નથી એટલે ગુજરાતમાં બોર્ડર ટુરીઝમની શરૂઆત કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લો પાકિસ્તાનની અડીને આવેલો છે, અહીં નડાબેટ નામના સ્થળેથી ભારત- પાકિસ્તાનની સરહદ જોઈ શકાય છે. અહીં પ્રવાસીઓ માટે સતત નવી નવી સુવિધાઓ વિકસાવાઈ રહી છે. જેથી ભારત- પાકિસ્તાનની બોર્ડર ઉપર લોકો મોટી સંખ્યામાં આવે અને બોર્ડર ઉપર થતી દરેક કાર્ય નિહાળે તે માટે ખૂબ સારું આયોજન કરાયું છે. જેના પગલે બનાસકાંઠા જિલ્લાની આંતરરાષ્ટ્રીય બોર્ડર ભારત- પાકિસ્તાનની નડાબેટ બોર્ડર ઉપર પણ સરકાર દ્વારા કરોડ રૂપિયાના ખર્ચે ડેવલોપમેન્ટ કરવામાં આવ્યું છે અને તેના લીધે જ અત્યારે નડાબેટ બોર્ડર પર પર્યટકો માટે ખૂબ જ સારું સ્થળ બની ગયું છે.

- ભારત-પાકિસ્તાનની 0.પોઇન્ટ બોર્ડર

બનાસકાંઠા જિલ્લાના નડાબેટ પાસે ભારત - પાકિસ્તાનની 0.પોઇન્ટ બોર્ડર આવેલી છે. આ બોર્ડરને એક પર્યટક સ્થળ તરીકે ફેરવવામાં આવ્યું છે. પરિણામે આ સ્થળ ઉપર દિન પ્રતિદિન શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સાથે વડીલો આ બોર્ડરની અચૂક મુલાકાત લેતા થયા છે. નડાબેટ ખાતે માતા નડેશ્વરી નું મંદિર પણ 500 મીટર નજીક આવેલું છે. આ મંદિરના દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે. નડાબેટ બોર્ડર ઉપર મ્યુઝીયમ બનાવવામાં આવ્યું છે, જેમાં સરહદ પર જવાનો કઈ રીતે 365 દિવસ ફરજ બજાવે છે, તેઓના લાઇફ પર એક થીમ બનાવી છે. ગુજરાત સરકારે આ પ્રોજેક્ટ સુઈગામ તાલુકાના નડાબેટના રણમાં બનાવ્યો છે.આ બોર્ડર પાલનપુર થી 150 કિલોમીટર, ડીસાથી 100 કિલોમીટર, રાધનપુરથી 75 કિલોમીટર, અમદાવાદથી 270 કિલોમીટર દૂર છે.

- અમિત શાહે ‘નડાબેટ સીમા-દર્શન’ યોજનાનું કર્યું હતું લોકાર્પણ

ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા નડાબેટમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ લાગુ પડે છે. નડાબેટમાં લશ્કરી થાણું આવેલું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે એક વર્ષ અગાઉ ત્યાં વ્યૂઈંગ પોઈન્ટ (સીમા દર્શન ગેલેરી)નો શુભારંભ કર્યો હતો તથા અન્ય પ્રવાસન સુવિધાઓનું લોકાર્પણ કર્યું હતું. ગુજરાતમાં ભારત-પાકિસ્તાન સીમા દર્શન માટેનું આ પહેલું જ સ્થળ છે. નડાબેટમાંનું બોર્ડર વ્યૂઈંગ પોઈન્ટ પંજાબમાં વાઘા-અટારી બોર્ડર બાંધવામાં આવેલા વ્યૂઈંગ પોઈન્ટ જેવું જ છે. આ વ્યૂઈંગ ગેલેરીથી લોકોને સરહદ પર આર્મી પોસ્ટ ખાતે જવાનોની કામગીરી નિહાળવાનો મોકો મળે છે.

- સરકારનો હેતુ પર્યટકોને આકર્ષિત કરવાનો

નડાબેટમાં આ સીમા દર્શન બાંધવા પાછળનો સરકારનો હેતુ પર્યટકોને આકર્ષિત કરવાનો છે. આ સ્થળે પર્યટકોને ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદ તેમજ સૂર્યાસ્તનું સુંદર દ્રશ્ય નિહાળવા મળે છે. આ સ્થળે વિઝિટર્સ ગેલેરી ઉપરાંત ફોટોગેલરી બનાવવામાં આવી છે, શસ્ત્રો અને ટેન્ક મૂકવામાં આવી છે, દુકાનો અને રેસ્ટોરન્ટ્સ પણ બાંધવામાં આવી છે. દેશ માટે બહાદુરી બતાવનાર અને પોતાના જાનનું બલિદાન આપાનર જવાનોની જીવનગાથા દર્શાવતું એક એક્ઝિબિશન સેન્ટર પણ અહીં છે. એક ઓપન ઓડિટોરિયમમાં બેસીને પર્યટકો-મુલાકાતીઓ સરહદ પર બંને દેશના જવાનો દ્વારા યોજાતી બીટિંગ રીટ્રિટ સેરેમની પણ નિહાળી શકાય છે.

- નડાબેટ ખાતે ટુરિઝમ ફેસેલીટી ઉપલબ્ધ

નડાબેટ ખાતે વિવિધ ટુરિઝમ ફેસેલિટી ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે. જેમાં એડવેન્ચર ફેસેલિટી, એક્ઝિબીશન હોલ કમ મ્યુઝીયમ, 3500 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા સાથેનું પરેડ ગ્રાઉન્ડ, અજય પ્રહારી સ્મારક, ફુડ કોર્ટ, ઓડીટોરીયમ, એરાઈવલ પ્લાઝા, સોવેનિયર શોપ, જુદાજુદા વોર વેપન તથા ઝીરો પોઈન્ટ પર બેઝીક ટુરીસ્ટ ફેસેલીટી ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે.

-  ટુરીઝમ બનતા ની સાથે જ અહીં હજારો પરિવારના લોકોને મળી રોજગારી

બનાસકાંઠા જિલ્લાની સરહદ પર બનાવેલ સીમા દર્શન ટુરિઝમ ખાતે વર્ષો પહેલા કોઈ જ પ્રકારની સુવિધાઓ હતી નહીં, અહીં માત્ર ચારે બાજુ રાજસ્થાન જ જેવું રણ જોવા મળતું હતું, ન તો પીવા માટે પાણી હતું કે, ન તો કોઈ પણ પ્રકારની સુવિધા જેના કારણે અહીં આવતા લોકોને ભારે દુવિધાનો સામનો કરવો પડતો હતો, ત્યારે હવે રાજ્ય સરકાર અને બીએસએફના જવાનો દ્વારા બનાવવામાં આવેલ ટુરિઝમના કારણે હાલમાં તમામ પ્રકારની સુવિધાઓ સરહદ પર મળી રહે છે, તેના કારણે લોકો પણ દૂર દૂરથી સીમા દર્શનનો લાભ લેવા માટે આવી રહ્યા છે, અહીં સીમા દર્શન માટે આવતા લોકો માટે જમવાની વ્યવસ્થા રહેવાની વ્યવસ્થા અને ફરવા માટે સાધનોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે તેને લઈ લોકો પણ દિવાળીના વેકેશનમાં મોટી સંખ્યામાં સીમા દર્શનનો લાભ લેવા માટે આવી રહ્યા છે વર્ષો પહેલાં જ્યાં સરહદી વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો વિકાસ કરવામાં ન આવ્યો હતો ત્યારે અહીં આજુબાજુ વસવાટ કરતાં હજારો પરિવારના લોકો બહાર ધંધા અર્થે જતા હતા પરંતુ હવે આ ટુરીઝમ બનતા ની સાથે જ અહીં હજારો પરિવારના લોકોને રોજગારી પણ મળી રહી છે.

- પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર, મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા

બનાસકાંઠા જિલ્લાના સૂઇગામ તાલુકાના નડાબેટ ખાતે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર શરૂ કરવામાં આવેલા સીમા દર્શન પ્રોજેક્ટ અત્યારે શાળા અને કોલેજના વિદ્યાર્થીઓથી લઇને તમામ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ઉલ્લેખનીય છે કે, આ અહીં અલગ અલગ જગ્યાએ ઉભા કરેલા સેલ્ફી પોઇન્ટ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જ્યારે ઝીરો પોઇન્ટ ખાતે પણ પ્રવાસીઓ બેસી શકે અને પ્રવાસને યાદગાર બનાવી શકે તે માટે સારી વ્યવસ્થા કરાઈ છે. પ્રવાસીઓ માટે 1965 અને 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં વપરાયેલ વિવિધ હથિયારોની ઝાંખીથી પ્રવાશીઓ ખુશ ખુશાલ બની જાય છે. પ્રવાસીઓના આકર્ષણ માટે BSFની થીમ પર નડાબેટના T પોઇન્ટથી ઝીરો પોઇન્ટ સુધી લોકો સુરક્ષા દળો સેનાની કામગીરીથી પરિચિત થાય તે માટે રસ્તા વચ્ચે અલગ અલગ જગ્યાએ  1971ના યુદ્ધમાં વપરાયેલ મિગ 21 વિમાન, સરફેસ ટુ સરફેસ મિસાઈલ, 55 ટેન્ક આર્ટિલરી ગન, ટોર્પિડો વિંગ ડ્રોપ ટેન્ક, ડિસ્પ્લે કરવામાં આવ્યા છે.