સોનગઢના બે કિલ્લા , એક ઊંચાઈએ છે તો, એક પાણીમાં ગરકાવ
- એક સમયે આ કિલ્લો ગાયકવાડોનું મુખ્ય થાણું હતું
સોનગઢનો કિલ્લો ગુજરાતના તાપી જિલ્લામાં આવેલો ગાયકવાડી કિલ્લો છે. આ કિલ્લો સુરત-ધુલિયા માર્ગની બાજુ પર આવેલ ઊંયી ટેકરી પર સોનગઢ તાલુકાના મુખ્યમથક સોનગઢમાં સયાજીરાવ ગાયકવાડે બંધાવેલો પ્રાચીન કિલ્લો છે, જે ઈ.સ. ૧૭૨૯થી 1766 સુધી ગાયકવાડોનું મુખ્ય થાણું હતું. બાલપુરી લડાઇ પછી ખંડેરાવ દભાડનું મૃત્યુ થતાં એમનું સેનાપતિનું સ્થાન પુત્ર ત્ર્યંબકરાવને મળ્યું. દામાજીરાવ ગાયકવાડની જગ્યા તેમના ભત્રીજા પીલાજીરાવ ગાયકવાડને પ્રાપ્ત થઇ, તે સમયે સોનગઢ મેવાસી ભીલોના તાબામાં હતું. આ ભીલો પાસેથી પીલાજીરાવ ગાયકવાડે સને ૧૭૧૯માં ડુંગરનો કબજો મેળવી કિલ્લો બાંધવાની શરુઆત કરી આમ ગાયકવાડી રાજની શરૂઆત સોનગઢથી થઈ. પીલાજીરાવ એના મૂળ સ્થાપક બન્યા. કિલ્લાનાં પ્રવેશદ્વારની ડાબી બાજુ શિલાલેખ પરની માહિતી મુજબ આ કિલ્લો પીલાજીરાવે સને ૧૭૨૮-૨૯માં ફરીથી બાંધ્યો. ત્યારબાદ બાબીઓ પાસેથી વડોદરા રાજ્ય જીતી ત્યાં સને ૧૭૩૦માં પીલાજીરાવે ગાયકવાડી રાજની સ્થાપના કરી, જેનું મથક ઇ. સ. ૧૭૬૩ સુધી સોનગઢ ખાતે રહ્યું હતું. ગાયકવાડે ફિરંગીઓ પર વિજય મેળવ્યાની યાદમાં માતાની સ્થાપના આ કિલ્લા પર કરી હતી.
- ગાયકવાડી રાજની શરૂઆત સોનગઢથી થઈ
આ કિલ્લા સાથે છત્રપતિ શિવાજી મહારાજની પણ કેટલીક વાતો જોડાયેલી છે. આ કિલ્લા ઉપર પહોંચવા માટે સર્પાકારે રસ્તો છે. કિલ્લા ઉપર મહાકાળી માતાનું મંદિર અને દરગાહ દર્શનીય ધાર્મિક સ્થાનો છે.અહીં બે પાણીના હોજ અને એક તળાવ છે. કિલ્લાની તળેટીમાં નીચે જૂના મહેલના અવશેષો પણ જોવાલાયક છે. અન્ય એક ગાયકવાડ રાજવંશ દ્વારા જામલી અને વાજપુર ગામ પાસે એક કિલ્લો પણ બનાવવામાં આવ્યો હતો. આ કિલ્લો મોટાભાગે ઉકાઇ બંધના ડૂબાણમાં રહે છે અને કોઇક વાર જ બહાર દેખાય છે
- આ કિલ્લા સાથે છત્રપતિ શિવાજી મહારાજની પણ કેટલીક વાતો જોડાયેલી છે
14મી સદીમાં આ કિલ્લો મોગલો પાસે હતો, બાદમાં 17મી સદીમાં મેવાસી ભીલોના કબજામાં આવ્યો હતો. તે સમયે ગુજરાત તરફ આગળ વધતા મરાઠા સામ્રાજ્યના પીલાજીરાવ ગાયકવાડે મેવાસી ભીલોને હરાવી આ કિલ્લો જીતી લીધો હતો. સને 1728-29ના વર્ષમાં ઊંચી પહાડીથી ઘેરાયેલા આ કિલ્લાને ફરીથી બાંધવામાં આવ્યો હતો. સને 1763 સુધી ગાયકવાડી રાજ્યનું એ લશ્કરી થાણું રહ્યો હતો. કિલ્લાના મધ્ય ભાગમાં એક ખંડેર ઇમારતના અવશેષો જોવા મળે છે, એની કોતરણી અને ઝરૂખા પરથી મહેલ હોવાનું કહેવાય છે. હાલમાં આ કિલ્લો વ્યારા વન વિભાગને સોંપવામાં આવ્યો છે. મેવાસી ભીલોને હરાવીને પીલાજીરાવ ગાયકવાડે ૧૭૧૯માં માનગઢ પર કબજો જમાવ્યો હતો અને ત્યારબાદ મહારાષ્ટ્ર સીમા ઉપર સુરક્ષા ચોકીના રૂપમાં સોનગઢ કિલ્લાનું નિર્માણ ૧૭૨૮-૨૯માં કરાવવામાં આવ્યું હતું. ત્યાં જ બીજી તરફ સ્થાનીય લોકોએ શિવાજી મહારાજની સિંહગઢના રૂપમાં કિલ્લો સ્થાપિત કર્યો હોવાની વાત પણ કરે છે. જેની સુરક્ષા તેની સેનામાં સામેલ મેવાસી ભીલ લોકો કરતા હતા.અને તેમને જ હરાવીને ગાયકવાડે સોનગઢના કિલ્લાને થાનાના રૂપમાં વસાવ્યો હતો.
- નવરાત્રીમાં મેળો ભરાય છે, આદિવાસીઓ ગરબે ઘૂમે છે
નવરાત્રીના પર્વ દરમિયાન સોનગઢ અને આસપાસના આદિવાસી માતાજીની ભક્તિ કરે છે અને પૂર્ણાહુતિના દશેરાના દિવસે સોનગઢના કિલ્લામાં વર્ષો જૂનો મેળો લાગે છે. જ્યાં મહાકાળી અને અંબા માતાના મંદિરે ગરબા પૂજા-આરાધના સહિત અન્ય આયોજન કરવામાં આવે છે. આ મેળામાં હજારોની સંખ્યામાં આદિવાસી લોકો ભેગા થાય છે. મેળા દરમિયાન આદિવાસી યુવક-યુવતીઓના લગ્નો પણ નક્કી થાય છે અને દિવાળી બાદ તેમના આ સંબંધ વિવાહમાં પરિણમે છે.
- ખજાનો શોધવા માટે ખાડા ખોદાતા કિલ્લાને નુકસાન
હાલ કિલ્લાની હાલત ખૂબ જ જર્જરિત અવસ્થામાં જોવા મળે છે, લોક વાયકા પ્રમાણે કિલ્લાની નીચે પ્રાચીન ખજાનાનો ઉલ્લેખ હોવાથી કિલ્લાની ઉપરની સપાટીના મોટા પાયે ખોદકામ કરી કૂવાઓ જોવા મળી રહ્યા છે પણ એ ખજાનો હજી સુધી કોઈને મળેલ નથી. કિલ્લાની ઉપરના ભાગે સૈનિકોના રહેવા માટેના મકાનો તૂટી પડેલ છે, કિલ્લાનો ગેટ જર્જરિત હાલતમાં જોવા મળેલ છે, કિલ્લાની ફરતેની દીવાલો પુરાણમાં દટાઈ ગયેલ છે. હાલ તાપી જિલ્લા સરકારી તંત્રની અવરજવર વધવાથી પ્રવાસન સ્થળ તરીકે ક્યારે વિકાસ થશે તેની ત્યાંના સ્થાનિક આદિવાસીઓ રાહ જોઈ રહ્યા છે. અને જો ત્યાં વિકાસ થાય તો ત્યાંના સ્થાનિક આદિવાસીઓ માટે એક રોજગારીની તક ઝડપી શકે અને આજુબાજુ વિસ્તારમાં પણ વિકાસની વણથંભી જોવા મળશે.
- ગુજરાતમાં ખૂણે ખૂણે પાણીનાં પોકાર, જ્યારે અહીં ઊંચાઈ 112 મીટરે પણ છલોછલ
આ ઐતિહાસિક સ્થળની ખાસ વિશેષતા શું છે તે જાણવી ખૂબ જરૂરી છે. જ્યારે કાળજાળ ઉનાળામાં ઠેર-ઠેર પાણીની તંગી જોવા મળી રહી છે. ત્યારે વનવગડામાં 800 મીટર ઊંચાઈએ આવેલાં આ ઐતિહાસિક સ્થળે તમને પાણીની કોઈ તંગી નહીં અનુભવાય.સોનગઢનાં આ કિલ્લો બારેમાસ પાણીદાર રહે છે. 800 મીટરની ઊંચાઈએ પણ તમને અહીં ભરપુર પાણી મળી રહે છે અને તેનું કારણ છે કિલ્લાની સંરચના.ટેકરી પર કિલ્લાની સંરચના જ એવી કરાઈ કે ચોમાસામાં વરસાદનું ટીપે ટીપું પાણી સંગ્રહિત થાય. ચોમાસાનાં દિવસોમાં જે વરસાદી પાણી કિલ્લા પર પડે છે તે તમામ પાણી કિલ્લામાં રહેલાં ભૂગર્ભ ટાંકા અને વાવમાં સંગ્રહિત થઈ જાય છે. જેનો ઉપયોગ જેતે સમયે તો રજવાડા અને તેનાં સૈનિકો વર્ષભર કરતા હતાં.આજે પણ રજવાડા સમયનાં એ ભૂગર્ભ ટાંકાઓ સોનગઢનાં કિલ્લા પર મૌજુદ છે. જેનો ઉપયોગ હવે અહીં આવતા પર્યટકો, દર્શનાર્થીઓ અને પોલીસ અને વન વિભાગનાં કર્મચારીઓ હાલ કરી રહ્યાં છે. તાપી જીલ્લાની ઓળખ સમાન ગણાતા સોનગઢનાં કિલ્લા પર આવેલા પાણીનાં સ્ત્રોતો બારેમાસ છલોછલ રહે છે. ચોમાસાનાં દિવસોમાં વરસાદી પાણી સીધું જ કિલ્લાનાં પરિસરમાં મૌજુદ ભુગર્ભ ટાંકા અને હોજમાં સંગ્રહિત થઈ જાય છે.સરકાર કરોડો રૂપિયાની યોજનાઓ કરીને પણ લોકોને પાણી પૂરું પાડી શકતી નથી. જ્યારે આ કિલ્લાની તો કોઈ જાળવણી પણ થતી નથી તેમ છતાં અહીં ફરવા આવનારા ક્યારેય તરસે નથી મરતાં
- પાણીમાં ડૂબેલો રહે છે ગુજરાતનો આ કિલ્લો, ભાગ્યે જ દેખાય છે બહાર
ગાયકવાડ રાજવંશ દ્વારા જામલી અને વાજપુર ગામ પાસે એક કિલ્લો પણ બનાવવામાં આવ્યો હતો. આ કિલ્લો મોટાભાગે ઉકાઈ બંધના પાણીમાં ડૂબેલો રહે છે અને કોઈક વાર જ બહાર દેખાય છે. આ કિલ્લો પણ અંદાજીત 285 વર્ષથી વધુ સમય પહેલા સત્તરમી સદીમાં બનાવ્યો હોવાની સંભવાના છે. એની રચના અને કિલ્લેબંધી સોનગઢના એતિહાસિક કિલ્લાની મૂજબ જ કરવામાં આવી હોવાનું જોવા મળ્યું છે એથી નદીના રસ્તે આવતા દુશ્મનો નો મુકાબલો કરી શકાય એ હેતુ સાથે આ કિલ્લો બાંધવામાં આવ્યો હશે. કિલ્લાના કેટલાય અવશેષો પણ અડીખમ રહ્યા છે ત્યારે એની મજબૂતી નો અંદાજ જ બાંધવો રહ્યો, જે સમયે ઉકાઈ ડેમનું બાંધકામ થયું એ સને 1970 ની આસપાસ ના સમયમાં પણ આજ કિલ્લો વિદ્યમાન હતો પરંતુ જેતે સમયે પણ તંત્ર દ્વારા દરકાર લેવામાં નહિ આવતા એના અવશેષો સાથે કિલ્લા એ જળ સમાધિ લીધી હતી એમ કહેવાય તો ખોટું નથી.