'ચા' વાળાથી વડાપ્રધાન સુધીની મોદીની સફર

નરેન્દ્ર મોદીએ પહેલીવાર 2014 ની લોકસભા ચૂંટણી લડી. જેમાં તેમણે મોટા માર્જિનથી ચૂંટણી જીતી અને 26 મે, 2014 ના રોજ ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધી. તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા જેનો જન્મ ભારતની આઝાદી પછી થયો હતો. નરેન્દ્ર મોદીનો જન્મ ૧૭ સપ્ટેમ્બર, ૧૯૫૦  ના રોજ બોમ્બે સ્ટેટ (હાલનું ગુજરાત) ના મહેસાણા જિલ્લાના વડનગરમાં થયો હતો. તેમના પિતાનું નામ દામોદરદાસ મુલચંદ મોદી અને માતાનું નામ હીરાબેન મોદી છે. તેમના બાળપણના દિવસોમાં વડનગર રેલ્વે સ્ટેશન પર તેમના પિતાને ચા વેચવામાં મદદ કરતા હતા. ત્યારબાદ તેમના ભાઈ સાથે તેમણે બસ ટર્મિનસ પાસે ચાનો  સ્ટોલ ચલાવ્યો. ૧૯૬૭ માં તેમણે વડનગરમાં પોતાનું ઉચ્ચ માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું.

- ૧૭ વર્ષની ઉંમરે ઘર છોડીને દેશભરમાં ફર્યા

નરેન્દ્ર મોદી ૮ વર્ષની નાની ઉંમરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) થી અવગત થયા અને તેના નાના કાર્યક્રમોમાં ભાગ લેવાનું શરુ કર્યું. ૧૭ વર્ષની ઉંમરે ઘર છોડીને બે વર્ષ સુધી તેઓ દેશભરમાં ફર્યા. એક ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે આ બે વર્ષમાં તેમણે સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપિત અનેક આશ્રમોની મુલાકાત લીધી. ત્યારબાદ મોદી વડનગર પરત ફર્યા હતા અને થોડા સમય બાદ જ તેઓ અમદાવાદ જવા રવાના થયા હતા. ત્યાં તેઓ તેમના કાકા સાથે રહેતા હતા, જેઓ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની કેન્ટીનમાં કામ કરતા હતા. બાળપણમાં તેમણે ઘણી મુશ્કેલીઓ અને અવરોધોનો સામનો કર્યો હતો, પરંતુ તેમણે તમામ પડકારોને હકારાત્મક રીતે લીધા અને હિંમત અને શક્તિ સાથે તેમને તકોમાં પરિવર્તિત કર્યા. ૨૦ વર્ષની ઉંમરે તેઓ RSS થી એટલા પ્રભાવિત થયા હતા કે ૧૯૭૦ માં RSS ના પૂર્ણકાલીન પ્રચારક બની ગયા હતા અને ૧૯૭૧ માં ઔપચારિક રીતે RSS માં જોડાયા. RSS માં જોડાયા પછી, તેમણે નિઃસ્વાર્થતા, સામાજિક જવાબદારી, સમર્પણ અને રાષ્ટ્રવાદની ભાવના શીખી.

 - નરેન્દ્ર મોદી ૧૯૮૭ માં ભાજપમાં જોડાયા

 

નરેન્દ્ર મોદી ૧૯૮૭ માં તેઓ ભાજપમાં જોડાયા અને એક વર્ષ બાદ જ ૧૯૮૮ માં તેમને પાર્ટીની ગુજરાત શાખાના જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા. ૧૯૯૪માં ગુજરાત વિધાનસભામાં ભાજપની જીતમાં મોદીની રણનીતિ સફળ રહી. ૧૯૯૪માં મોદીને પક્ષના રાષ્‍ટ્રીય સચિવ બનાવાયા..વર્ષ ૧૯૯૫ માં તેમને બીજેપીના નેશનલ યુનિટના સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેમને ૧૯૯૮માં પક્ષના મહાસચિવ બનાવવામાં આવ્યા. વિવિધ રાજ્યોમાં પાર્ટીના સંગઠનને સુધારવાની જવાબદારી નિભાવવાનો શ્રેય પણ આપવામાં આવ્યો હતો.

 - નરેન્દ્ર મોદી માટે વાજપેયીએ દિલ્હી છોડીને ગુજરાત જવાનું ફરમાન કાઢ્યું

 

ઓક્ટોબર ૨૦૦૧ માં કેશુભાઈ પટેલે ખરાબ સ્વસ્થના કારણે મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામું આપ્યું અને નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. ૭ ઓક્ટોબર ૨૦૦૧ ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધી. ૨૪ ફેબ્રુઆરી, ૨૦૦૨ ના રોજ, તેમણે રાજકોટ  બેઠક પરથી પેટાચૂંટણી જીતી અને INC ના અશ્વિન મહેતાને હરાવ્યા. ત્યારબાદ તેમણે મણિનગર બેઠક પરથી ચૂંટણી લડી અને INC ના ઓઝા યતિનભાઈ નરેન્દ્રકુમારને હરાવીને વિધાનસભાની ચૂંટણી જીતી. અને બીજી ટર્મમાં તેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે યથાવત રહ્યા.

 - પ્રથમવાર ૨૬ મે, ૨૦૧૪ ના રોજ વડાપ્રધાન તરીકે શપથ લીધા

 

વર્ષ ૨૦૧૨ તેઓ ફરીથી મણિનગરથી ચૂંટાયા અને તેમણે સીએમ તરીકે શપથ લીધી જે તેમની ચોથી ટર્મ હતી. ૨૦૧૩ માં ભાજપે નરેન્દ્ર મોદીને ૨૦૧૪ ની લોકસભાની ચુંટણીમાં તેમના વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા જેથી તેમણે ૨૦૧૪ માં ગુજરાત  વિધાનસભામાંથી રાજીનામું આપ્યું અને  પહેલીવાર ૨૦૧૪ ની લોકસભા ચૂંટણી લડી. જેમાં તેમણે મોટા માર્જિનથી ચૂંટણી જીતી અને ૨૬ મે, ૨૦૧૪ ના રોજ ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધી. તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા જેનો જન્મ ભારતની આઝાદી પછી થયો હતો. ૧૩ ઓક્ટોબર ૨૦૧૮ ના રોજ ભાજપે ૨૦૧૯ ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે મોદીને જાહેર કર્યા અને મુખ્ય પ્રચારકર્તા અમિત શાહ હતા. નરેન્દ્ર મોદીએ વારાણસીમાંથી ચૂંટણી લડી અને સમાજવાદી પક્ષના શાલીની યાદવને ૪,૭૯,૫૦૫ મતોના તફાવતથી હરાવ્યા. ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણીમાં NDA  દ્વારા લોકસભામાં ૩૫૩ બેઠકો અને ભાજપ દ્વારા ૩૦૩ બેઠક પર જીત મેળવી અને નરેન્દ્ર મોદીને બીજી વખત દેશના વડાપ્રધાન બન્યા.

- એવોર્ડસ અને સિદ્ધિઓ

 ૨૦૦૭ માં ઇન્ડિયા ટુડે મેગેઝિન દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં, તેમને દેશના શ્રેષ્ઠ મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. ૨૦૦૯ માં FDI મેગેઝિને નરેન્દ્ર મોદીને “FDI પર્સનાલિટી ઑફ ધ યર‘ એશિયન વિનર તરીકે સન્માનિત કર્યા હતા. ૨૦૧૪ માં તેને CNN-IBN ન્યૂઝ નેટવર્ક દ્વારા ઈન્ડિયન ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ૨૦૧૬ માં લંડનના મેડમ તુસ્સાદ વેક્સ મ્યુઝિયમમાં મોદીની મીણની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ૨૦૧૬ માં પીએમ નરેન્દ્ર મોદીને અફઘાનિસ્તાનના સર્વોચ્ચ નાગરિક સન્માન અમીર અમાનુલ્લા ખાન એવોર્ડથી નવાજવામાં આવ્યા. એપ્રિલ ૨૦૧૬ માં તેમને કિંગ સલમાન બિન અબ્દુલ અઝીઝ દ્વારા સાઉદી અરેબિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘કિંગ અબ્દુલાઝીઝ સાશ‘થી નવાજવામાં આવ્યા. ૨૦૧૭ માં ગેલપ ઇન્ટરનેશનલ એસોસિએશન (GIA) એ એક મતદાન હાથ ધર્યું હતું અને મોદીને વિશ્વના ત્રીજા ટોચના નેતા તરીકે સ્થાન આપ્યું હતું. ઓક્ટોબર ૨૦૧૮ માં યુએનનો સર્વોચ્ચ પર્યાવરણ પુરસ્કાર, ‘ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ‘ મળ્યો. ૨૦૧૮ માં સિઓલ શાંતિ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. તેઓ આ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય બન્યા. ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૮ ના રોજ તેમને પેલેસ્ટાઈન રાજ્યના ગ્રાન્ડ કોલરથી સન્માનિત કરવામાં આવ્યા હતા, વિદેશી મહાનુભાવો માટે પેલેસ્ટાઈનનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. 2019માં નરેન્દ્ર મોદીને પહેલો ફિલિપ કોટલર પ્રેસિડેન્શિયલ એવોર્ડ મળ્યો

- આ 11 યોજનાઓ દેશ માટે રહી અતિ મહત્વની

 

જન ધન યોજના  હેઠળ ભારતીય નાગરિકો ઝીરો રૂપિયાથી ખાતું ખોલાવી શકે છે.ઓવરડ્રાફ્ટ સુવિધા હેઠળ, જનધન ખાતા ધારક ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તેના ખાતામાંથી 10,000 રૂપિયા સુધી ઉપાડી શકે છે. આ યોજનાનો ઉદ્દેશ્ય દરેક વ્યક્તિને બેંકિંગ સિસ્ટમમાં જોડવાનો છે. દેશના ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવા માટે સરકાર PM કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દેશના નાના ખેડૂતોને વર્ષમાં 6,000 રૂપિયાની સહાય આપે છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને મોદી સરકારે માર્ચ 2020માં શરૂ કરી હતી. મહામારીને કારણે લોકડાઉન દરમિયાન આ સ્કીમને શરૂ કરી 80 કરોડ લોકોને ફ્રી રાશન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. પીએમ મોદીએ દેશની મહિલાઓના જીવનમાં પરિવર્તન લાવવાના ઉદ્દેશ્ય સાથે મે 2016માં ઉજ્જવલા યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ એક વર્ષમાં 12 ગેસ સિલિન્ડરનું વિતરણ કરવામાં આવે છે. દરેક સિલિન્ડર પર 200 રૂપિયાની સબસિડીનો લાભ મળે છે. સબસિડી લાયક લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવે છે. એકંદરે, એક વર્ષમાં 2400 રૂપિયા સુધીની સબસિડીનો લાભ લઈ શકાય છે. 1લી માર્ચ 2023ના રોજ PMUYમાં 9.59 કરોડ લાભાર્થીઓ છે. આયુષ્માન ભારત યોજના દેશમાં રહેતા તમામ નાગરિકોના સ્વાસ્થ્યની કાળજી લેવાના હેતુથી સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજનામાં 5 લાખ સુધીની મફત સારવારની સુવિધા ઉપલબ્ધ છે. દવાઓ, તબીબી ખર્ચ વગેરેનો ખર્ચ સરકાર ચૂકવે છે. આયુષ્માન કાર્ડ આ યોજનાના પાત્ર લોકો માટે બનાવવામાં આવ્યું છે. આ પછી કાર્ડધારક પોતાની પસંદગીની હોસ્પિટલોમાં મફતમાં સારવાર કરાવી શકશે.પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના. આ યોજના વીમાધારકના મૃત્યુના કિસ્સામાં તેના પરિવારને 2 લાખ સુધીની નાણાકીય સહાય પૂરી પાડે છે. તમે વાર્ષિક માત્ર 436 રૂપિયા ચૂકવીને આ સ્કીમનો લાભ લઈ શકો છો. આ પોલિસી ખરીદવા માટે, તમારી ન્યૂનતમ ઉંમર 18 વર્ષ છે, જ્યારે મહત્તમ ઉંમર 55 વર્ષ નક્કી કરવામાં આવી છે. ભારતની મોટી વસ્તીને સુરક્ષિત કરવાના ઉદ્દેશ્ય સાથે વર્ષ 2015માં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરવામાં આવી હતી. અગાઉ તેનું વાર્ષિક પ્રીમિયમ 12 રૂપિયા હતું, જે 1 જૂન, 2022થી વધારીને 20 રૂપિયા કરવામાં આવ્યું હતું. આ પ્લાનમાં તમને 2 લાખ રૂપિયાનું સુરક્ષા કવચ મળે છે. જો તમારી ઉંમર 18 થી 70 વર્ષની વચ્ચે છે, તો તમે આ સુરક્ષા વીમા યોજના ખરીદી શકો છો જે એક વર્ષમાં માત્ર 20 રૂપિયા ચૂકવીને 2 લાખ સુધીનું કવરેજ આપે છે. અટલ પેન્શન યોજના ભારત સરકાર તરફથી ચલાવવામાં આવી રહેલી પેન્શન સ્કીમ છે. આ સ્કીમમાં 18 વર્ષથી લઈને 40 વર્ષ સુધીની ઉંમર સુધી રોકાણ કરવાનું હોય છે. આ સ્કીમ દ્વારા 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 5000 રૂપિયા સુધીનું પેન્શન મેળવી શકાય છે. પેન્શનની રકમ તમારા રોકાણ પર નિર્ભર કરે છે. આ સિવાય માત્ર તે લોકો આ સ્કીમનો લાભ ઉઠાવી શકે છે, જે ટેક્સપેયર નથી. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જરૂરિયાતમંદોને ઘર બનાવવા માટે લોન પર સબસિડી આપવામાં આવે છે. આ માટે લોકોએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ, 3 લાખથી ઓછી આવક ધરાવનાર કોઈપણ વ્યક્તિ, જેની પાસે કોઈ ઘર નથી, તે તેનો લાભ લઈ શકે છે. આ યોજનામાં સરકાર દ્વારા 2.50 લાખની સહાય આપવામાં આવે છે. પ્રધાનમંત્રીએ દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્ટાની શરૂઆત કરી છે. આ પ્રોજેક્ટમાં બહુવિધ બાંધકામ અને પુનઃવિકાસના કાર્યોનો સમાવેશ થાય છે. આ યોજના હેઠળ નવી સંસદનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 25 સપ્ટેમ્બર, 2014ના રોજ મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમની શરૂઆત કરી હતી. જેનો ઉદ્દેશ્ય દેશમાં ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો અને રોજગારીની તકો ઊભી કરવાનો છે. મેક ઇન ઇન્ડિયા એક પ્રકારનું સ્વદેશી અભિયાન છે, જેમાં અર્થતંત્રના તમામ ક્ષેત્રોને સામેલ કરવામાં આવ્યા છે.

- કોરોનાનો વખત નરેન્દ્ર મોદીની અગ્નિપરીક્ષા

 ‘સરકારે કોરોના મહામારીની સ્થિતિને ઘણી સારી રીતે સંભાળી છે, એમાં સુધારાને ચોક્કસ અવકાશ છે. દુનિયામાં કોઈને ખબર નહોતી કે આવી મહામારી આવશે અને અચાનક આવી પડી. આમ છતાં સરકારે જરૂરી કામગીરી કરી.’

-  પીએમ મોદીની સામે વારાણસીમાં ચૂંટણી લડી રહ્યાં છે આ 6 ઉમેદવાર

ઉત્તરપ્રદેશની વારાણસી લોકસભા બેઠક દેશની VVIP બેઠક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બેઠક પરથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. આ વખતે 2024માં તેમની સામે ઓછામાં ઓછા 6 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પરથી 41 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે 33 ઉમેદવારોના નામાંકન રદ થયા હતા અને એક ઉમેદવારે પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી. આ રીતે વારાણસીમાં પીએમ મોદી સહિત માત્ર સાત ઉમેદવારો મેદાનમાં છે. આમાં ગઠબંધનના ઉમેદવાર અજય રાયનું નામ પણ સામેલ છે. અજય રાયને એક મજબૂત છબી ધરાવતા નેતા માનવામાં આવે છે, તેઓ વર્ષ 2009, 2014 અને 2019માં ચૂંટણી લડ્યા હતા પરંતુ ત્રણેય વખત ત્રીજા સ્થાને રહ્યા હતા અને ભારે માર્જિનથી હારી ગયા હતા. આ વખતે સપા-કોંગ્રેસના ગઠબંધનના કારણે તેઓ જોરદાર ટક્કર આપી રહ્યા છે. બહુજન સમાજ પાર્ટીએ અહીંથી અતહર જમાલ લારી (70)ને મેદાનમાં ઉતાર્યા છે. આ યાદીમાં આગળનું નામ યુગ તુલસી પાર્ટીના કોલિસેટ્ટી શિવકુમારનું છે, અપના દળ કામેરાવાદીથી ગગન પ્રકાશ યાદવ (39) વારાણસી બેઠક પરથી મેદાનમાં છે . આ સિવાય બે અપક્ષ ઉમેદવારો દિનેશ કુમાર યાદવ અને સંજય કુમાર તિવારી પણ પીએમ મોદી સામે લડી રહ્યા છે.

- વારાણસી બેઠકના સમજો જ્ઞાતિ સમીકરણો

દેશની નજર વારણસી બેઠકની ચૂંટણી પર રહેલી છે. આ બેઠક હોટ ફેવરેટ માનવામાં આવે છે, કેમ કે આ બેઠક પરથી પ્રધાનમંત્રી ચૂંટણી લડી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વારાણસી બેઠકથી ઉમેદવારી પત્રક નોંધાવ્યું છે. વારાણસી લોકસભા સીટને ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે. ભાજપ 1991થી સતત આ બેઠક જીતી રહ્યું છે. જોકે, 2004માં માત્ર એક જ વાર કોંગ્રેસના રાજેશ કુમાર મિશ્રા જીતી શક્યા હતા. આ વિસ્તારમાં બહુમતી ઉચ્ચ જાતિના મતદારો છે. તેમાં બ્રાહ્મણો, ભૂમિહાર અને જાયસ્વાલનો સમાવેશ થાય છે, આ સિવાય મોટી સંખ્યામાં મુસ્લિમો અને ઓબીસી પણ છે. વારાણસી લોકસભા સીટ પર હિન્દુઓની વસ્તી કુલ વસ્તીના 75 ટકા છે. અને 20 ટકા વસ્તી મુસ્લિમ છે. બાકીની 5 ટકા વસ્તીમાં અન્ય ધર્મના લોકોનો સમાવેશ થાય છે. આ સીટની 65 ટકા વસ્તી શહેરી વિસ્તારોમાં અને 35 ટકા વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. કુલ વસ્તીના 10.01 ટકા આદિવાસી અને 0.7 ટકા દલિત વર્ગના છે. જો આંકડાઓની વાત કરીએ તો 1952 માં થયેલી પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસના રઘુનાથ સિંહ અહીંથી સાંસદ બન્યા હતા. વારાણસી બેઠક પરથી કોંગ્રેસ સાત વખત જીતી ચુકી છે અને ભાજપ પણ સાત વખત જીત્યા બાદ આઠમી વખત જીત મેળવવા મેદાને ઉતરશે. ઉલ્લેખનીય છે કે વારાણસી બેઠક પર 30 લાખ 78 હજાર 735 જેમાં પ્રથમ વથત મતદાતા 52 હજાર જેટલા છે.

- મોદી આ વખતે જીતશે તો તેઓ આ રેકોર્ડની બરાબરી કરશે

વારાણસી લોકસભા બેઠક પાંચ વિધાનસભા બેઠકોથી બનેલી છે. જો PM મોદી ત્રીજી વખત આ સીટ જીતશે તો તેઓ પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધીના રેકોર્ડની બરાબરી કરશે. જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા એવા વડાપ્રધાન હતા જેઓ એક જ સીટ પરથી ત્રણ વખત જીતીને વડાપ્રધાન બન્યા હતા. જો મોદી આ વખતે જીતશે તો તેઓ આ રેકોર્ડની બરાબરી કરશે.

- બે હાઈપ્રોફાઇલ બેઠકો વારાણસી અને ગોરખપુર

લોકસભા ચૂંટણી 2024ના અંતિમ તબક્કામાં વારાણસી અને ગોરખપુર સહિત કુલ 13 બેઠકો પર ચૂંટણી યોજાશે. છેલ્લા તબક્કાના 13 લોકસભા મતવિસ્તારોમાં આવતા 65 વિધાનસભા મતવિસ્તારોમાં ભાજપ અને તેના સહયોગીઓ પાસે 52 બેઠકો છે. સપા અને કોંગ્રેસના ખાતામાં માત્ર 12 બેઠકો છે. જ્યારે બસપા પાસે આખા રાજ્યમાં જે એકમાત્ર બેઠક છે તે બલિયાની રસડા છે. ગોરખપુર, દેવરિયા, બાંસગાંવ અને રોબર્ટસગંજ લોકસભા બેઠકો એવી છે કે જ્યાંની તમામ પાંચ વિધાનસભા બેઠકો ભાજપ પાસે છે. લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં બે હાઈપ્રોફાઇલ બેઠકો વારાણસી અને ગોરખપુર પર દેશ જ નહીં દુનિયાની નજર છે.

-  મોદી પાસે 3.02 કરોડની સંપત્તિ

પીએમ નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના વારાણસી લોકસભા મતવિસ્તારમાંથી ઉમેદવારી નોંધાવી. પીએમ મોદીએ નામાંકન સમયે પોતાનું ચૂંટણી સોગંદનામું પણ દાખલ કર્યું હતું. જેમાં તેમણે પોતાની પાસે રહેલી સંપત્તિ વિશે માહિતી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે કુલ 52,920 રૂપિયાની રોકડ છે. જ્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ગાંધીનગર શાખામાં 73,304 રૂપિયા જમા છે. જ્યારે વારાણસી શાખામાં 7000 રૂપિયા જમા છે.પીએમ નરેન્દ્ર મોદી પાસે 9,12,398 રૂપિયાના નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ પણ છે. પીએમએ પોતાના સોગંદનામામાં ચાર સોનાની વીંટી હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. 45 ગ્રામ સોનાની કિંમતની આ વીંટીઓની કિંમત આશરે 2,67,750 રૂપિયા છે. ચૂંટણી પંચમાં આપવામાં આવેલા એફિડેવિટ મુજબ પીએમ નરેન્દ્ર મોદીની કુલ સંપત્તિ 3 કરોડ 2 લાખ 6 હજાર 889 રૂપિયા છે.

- પીએમ મોદીની શૈક્ષણિક લાયકાત

શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પીએમ નરેન્દ્ર મોદીએ 1967માં એસએસસી બોર્ડ, ગુજરાતમાંથી એસએસસી કર્યું હતું. 1978માં તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી હતી. જ્યારે 1983માં તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી હતી.

- વડનગર ઈચ્છે છે કે, તેમનો પુત્ર ત્રીજી વખત દેશના વડાપ્રધાન બને

ઐતિહાસિક નગરી વડનગરમાં જ્યાં એક તરફ વડનગર તોરણનું પુરાતત્વીય મહત્વ, સાત પ્રાચીન દરવાજા, 5મી સદીનો બૌદ્ધ સ્તૂપ, પ્રાચીન હાટકેશ્વર મંદિર નજરે પડે છે, તો બીજી બાજુ લાલ પથ્થરથી ઝળહળતું શર્મિષ્ઠ તળાવ, શેઠ લાયબ્રેરીમાં ચાલી રહી છે. વડનગર રેલવે સ્ટેશન પ્રાચીનતા અને આધુનિકતાનું પ્રતીક છે. વડાપ્રધાન મોદીનો જન્મ આ નગરના એક ઘરમાં થયો હતો. મોદીનું બાળપણ આ ગલીઓમાં વીત્યું હતું. વડનગર ઈચ્છે છે કે, તેમનો પુત્ર ત્રીજી વખત દેશના વડાપ્રધાન બને. નરેન્દ્ર મોદી એનસીસીના કેડેટ પણ હતા. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા, ત્યારે તેમના ગામમાં આનંદનો પાર ન હતો. તેના શિક્ષકો અને ગ્રામજનો કહે છે કે, ઘણા લોકો તેમનું કામ કરાવવા માટે તેમને મળતા હતા, પરંતુ મોદીએ તેમના શિક્ષકો, ગામડાઓ અને સમુદાયના નેતાઓને કહ્યું હતું કે, તેઓ કોઈના અંગત કામ માટે ભલામણો ન કરે. હા, ગામ અને સમાજ માટે કોઈ કામ હોય તો દરવાજા હંમેશા ખુલ્લા જ હોય છે. મોદીને બાળપણથી જ આધ્યાત્મિકતામાં રસ હતો. જો તેની પાસે સમય હોય તો તે શાળા પાસેના રેલવે સ્ટેશન પર તેના પિતા દામોદરદાસ મોદીની ચાની દુકાને જઈને કામ કરતો. તેમને તેમની માતા હીરાબા સાથે ગાઢ લગાવ હતો, પરંતુ જ્યારે પણ નરેન્દ્ર મોદી કોઈ ભૂલ કરતા ત્યારે હીરાબા તેમને ઠપકો આપતા હતા.

- હીરાબાએ કહ્યું હતું, કામ કરો બુદ્ધિથી, જીવન જીવો શુદ્ધિથી

30 ડિસેમ્બર 2022 દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાનું નિધન થયું હતું..આ દરમિયાન ભાવુક પીએમ મોદીએ માતા હીરાબાના પાર્થિવ દેહને કાંધ આપી હતી.હીરા બાએ અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં  અંતિમ શ્વાસ લીધા હતા. પીએમ મોદીએ ટ્વિટ કરીને માતા હીરા બાને શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીએ લખ્યું હતું કે જ્યારે હું તેમને તેમના 100મા જન્મદિવસ પર મળ્યો ત્યારે તેમણે એક વાત કહી હતી, જે હંમેશા યાદ રહેશે કે કામ કરો બુદ્ધિથી, જીવન જીવો શુદ્ધિથી. આ ઉપરાંત વધુમાં તેમણે લખ્યુ હતું કે શાનદાર શતાબ્દીનો ઈશ્વરની ચરણોમાં વિરામ, માં મેં હમેશા એ ત્રણ ત્રિમૂર્તિની અનુભુતિ કરી છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગી અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનના પ્રતીકનો સમાવેશ રહ્યો છે.

- ગુજરાતને મળી વિશ્વવ્યાપી ઓળખ

નરેન્દ્ર મોદીએ પ્રવાસનની વિરાટ સંભાવનાને ધ્યાનમાં રાખીને અનેક કાર્યક્રમ શરૂ કર્યા હતા. ‘ખુશ્બૂ ગુજરાત કી’ પ્રવાસન અભિયાનથી ગુજરાતના પ્રવાસન આકર્ષણો દેશ અને વિશ્વ સમક્ષ ઉજાગર કર્યા. લાંબા સમયથી પાણીની સમસ્યાથી ઝઝૂમી રહેલા ગુજરાતમાં તેમણે આયોજનપૂર્વક કામગીરી શરૂ કરી. નર્મદા જેવી વિશાળ નદી હોવા છતાં ગુજરાતની આ સ્થિતિથી તેઓ ચિંતિત હતા. સરદાર સરોવર ડેમના નિર્માણમાં અનેક વિઘ્નો આવી રહ્યા હતા. પણ તેમણે આ મહત્વાકાંક્ષી પરિયોજનાને સાકાર કરવાનો અટલ સંકલ્પ પૂર્ણ કર્યો. આજે નર્મદાના પાણી, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાત સુધી પહોંચ્યા છે અને ખેડૂતો માટે વરદાન સાબિત થયા છે.

- નરેન્દ્ર મોદીના શાસનમાં વિકાસકાર્યો

બુલેટ ટ્રેન, સેક્ટર સ્પેસિફિક એજ્યુકેશન હેઠળ ગુજરાતના વડોદરામાં રેલવે યુનિવર્સિટીની સ્થાપના, રાજકોટ ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને રક્ષા શક્તિ યુનિવર્સિટીની રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓની સ્થિતિ, રાજકોટ AIIMS ,કચ્છમાં વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કનું ઉદઘાટન, લાઈટહાઉસ પ્રોજેક્ટ રાજકોટ (LHP) ,સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે રેલ કનેક્ટિવિટી, ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન, જામનગર , વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ,ગિફ્ટ સિટીમાં ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટીના (IFSCA) મુખ્યાલયની ઇમારતનો શિલાન્યાસ, GIFT સિટી ખાતે ઈન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) , અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન , તારંગા હિલ-અંબાજી-આબુ રોડ રેલ લાઇન પ્રોજેક્ટને મંજૂરી, રાજયના પાંચ જિલ્લાઓને મેડિકલ કોલેજની ભેટ, દાહોદમાં ઇલેક્ટ્રિક લોકોમોટિવ મશીન પ્રોડક્શન યુનિટનો શિલાન્યાસ, ભરૂચમાં બલ્ક ડ્રગ પાર્કનું લોકાર્પણ ,ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ ગુજરાતમાં 1000 કિલોમીટરથી વધુ લંબાઈના રસ્તાઓનું નિર્માણકાર્ય, ગુજરાતમાં રાષ્ટ્રીય રમતોનું આયોજન, ભારતના G20 પ્રમુખપદ હેઠળ ગુજરાતમાં 18 બેઠકોનું આયોજન, નવસારીમાં PM મિત્ર પાર્ક, ભુજમાં સ્મૃતિવન ભૂકંપ સ્મારક ,કચ્છના અંજારમાં વીર બાલ સ્મારક, સાબર ડેરી ચીઝ પ્લાન્ટ, ભાવનગરમાં વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ પોર્ટનો શિલાન્યાસ, સાબરમતી રિવરફ્રન્ટ અટલ ફૂટ ઓવરબ્રિજ, નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC), અંબાજી-પાવાગઢ-સોમનાથમાં પ્રવાસન વિકાસકાર્ય, એશિયામાં સૌથી મોટો જૂનાગઢનો ગિરનાર રોપ વે, એસ્ટોલ પ્રોજેક્ટ, વિદ્યા સમીક્ષા કેન્દ્ર

- ગુજરાતની જનતાને મળેલી કેટલીક ખાસ ભેટ

2014 માં વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ માત્ર 17 દિવસની અંદર નરેન્દ્ર મોદીએ સરદાર સરોવર ડેમ પર દરવાજા લગાવવાની મંજૂરી આપી દીધી હતી. આ રીતે ગુજરાતના લોકોનું વર્ષો જૂનું સપનું આખરે સાકાર થયું. વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીએ માર્ચ 2015 માં ક્રૂડની રોયલ્ટી સંબંધિત એક મોટી સમસ્યાનો ઉકેલ લાવવાનું નક્કી કર્યું. ત્યારબાદ ગુજરાતને ક્રૂડ ઓઈલની રોયલ્ટી તરીકે લગભગ રૂ. 800 કરોડ આપવાનો નિર્ણય કર્યો. સ્માર્ટ સિટી મિશન હેઠળ ગુજરાતમાંથી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને દાહોદ સહિતના શહેરો પસંદ કરવામાં આવ્યા.